અમદાવાદ: અમદાવાદમાં એક બેકાર યુવકે ઇન્સ્ટાગ્રામ થકી અનેક યુવતીઓને ફસાવી હોવાની ઘટના સામે આવી છે. આરોપી ફેક આઇડી બનાવી યુવતીઓ સાથે મિત્રતા કેળવતો હતો. બાદમાં કોઇને કોઇ બાબતો પર બ્લેકમેલ કરી ધમકીઓ આપી દાગીના પડાવતો હતો. બોપલમાં આરોપી જય નાગર સામે ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઇ છે. જ્યારે આ જ આરોપીએ આનંદનગરની એક પરિણીતા સાથે પણ આ જ હરકત કરતા આનંદનગરમાં પણ તેની સામે ફરિયાદ નોંધાઇ છે.
પરિણીતા સાથે છેતરપિંડી: જોધપુર ગામમાં રહેતી 27 વર્ષીય પરિણીતા પતિ અને સાસુ સસરા સાથે રહે છે. વર્ષ 2021 માં તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર શુભમ નામના આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી. પરિણીતાએ આ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ તે આઇડી ધારક સાથે તેને વાતચીત થતી હતી. પરિણીતાએ આ આઇડી ધારકને તેનું નામ પૂછતા તેણે શુભમ નાગર નામ આપ્યુ હતુ. વર્ષ 2022 માં ડિસેમ્બરમાં શુભમ નાગરે પરિણીતા પાસે સોનુ માંગી તેમાં વધુ સોનુ ઉમેરી પરત આપવાની વાત કરી હતી.
જાનથી મારી નાખવાની ધમકી: પરિણીતા પણ લાલચમાં આવી ગઇ હતી અને આઇડી ધારકે તેનો ભાઇ જય નાગર સોનુ લેવા આવશે તેમ કહ્યુ હતુ. બીજા દિવસે જય નાગરનો ફોન આવતા પરિણીતા તેને જોધપુર ગામ પાસે 1.20 લાખના દાગીના આપી આવી હતી. જય નાગરે પરિણીતાને બીજી વાર વધુ ગોલ્ડ આપવુ પડશે તેમ કહી ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતુ. આરોપીએ આ પરિણીતાને ગોલ્ડ નહિ આપે તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આરોપીએ પરિણીતા પાસેથી બળજબરઇથી સોનુ લઇ લીધુ હતુ. એક તરફ પરિણીતા ડરેલી હતી અને આરોપી તેનો લાભ લઇ તેની પાસે એક બાદ એક યેનકેન પ્રકારે સોનુ પડાવતો હતો.
'યુવતીને બ્લેકમેલ કરવા મામલે આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરાઈ છે. આરોપી બેકાર છે અને તેને કેટલી યુવતીઓને શિકાર બનાવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.' -એ.પી ચૌધરી, PI, બોપલ પોલીસ સ્ટેશન
યુવકની ધરપકડ: થોડા સમય બાદ આરોપી પાસેથી પરિણીતાએ સોનુ પરત માંગતા તેણે મનાઇ કરી હતી. જેથી પરિણીતાને શંકા ગઇ હતી કે આરોપી ખોટા આઇડી બનાવી આ રીતે યુવતીઓ સાથે વિશ્વાસઘાત કરે છે. આરોપીએ આ પરિણીતા પાસેથી 3.35 લાખના દાગીના પડાવી લેતા આનંદનગર પોલીસે તે બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે હાલ આરોપી જય નાગર સામે બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે તેની ઇસનપુર ખાતેથી ધરપકડ કરી છે. આરોપી બેકાર હોવાથી તે ફેક આઇડી બનાવી યુવતીઓના નામ સર્ચ કરી આ રીતે ઠગાઇ અને વિશ્વાસઘાત કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.