અમદાવાદ : દેશમાં આજે 77માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની બોર્ડર ઉપર કે દેશના તમામ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ સરકારી ઓફિસો તમામ જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ મધદરિયે પણ ધ્વજ ફરકાવવામાં આવતા હોય છે. તે પ્રમાણે અમદાવાદના એક યુવાને આઝાદીના 76 વર્ષ પૂર્ણ થતા અમદાવાદ શહેર ફરતે 76 કિલોમીટરનો રીંગ રોડ લગાવીને અલગ જ રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે.
13 વર્ષની ઉંમરથી દોડવાની શરૂઆત : રૂપેશ મકવાણા ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 13 વર્ષનો હતો ત્યારથી દોડવાની શરૂઆત કરી હતી. એક વખત મેં દોડવાની શરૂઆત કરી ત્યારે સતત આરામ કર્યા વિના 183 રાઉન્ડ પૂરા કર્યા હતા. ત્યાર પછી મેં રનીંગને મારો શોખ બનાવી સખત મહેનત કરતો હતો. જે થકી ત્રણ વખત ગુજરાત તરફથી નેશનલ લેવલે અન્ય ટુર્નામેન્ટો રમ્યો છું. તેની સાથે મેં બે વર્લ્ડ રેકોર્ડ પણ મારા નામે કર્યા છે.
અલગ જ રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઇ : રૂપેશ દર વખતે સ્વતંત્ર દિવસની અલગ જ પ્રકારે ઉજવણી કરતો હોય છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તેણે સતત 75 km દોડીને ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થતાં તેણે અમદાવાદ શહેર ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર 76 કિલોમીટર દોડીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે. તેણે 14 ઓગસ્ટ 2023ની રાત્રિના 10 વાગ્યાથી ભક્તિ સર્કલથી શરૂઆત કરીને 15 ઓગસ્ટ 2023 સવારે 9 વાગે 76 કિલોમીટર દોડ પૂરી કરીને પરત ભક્તિ સર્કલ પહોંચ્યો હતો. તેનું માત્ર ઉદ્દેશ છે કે આજના યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી લોકોને વધુમાં વધુ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
બે વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યા : રૂપેશના નામે વર્લ્ડ વાઈટ બૂક ઓફ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. જેને આરામ કર્યા વિના સતત 75 કલાક દોડીને 375 કિલોમીટર પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત હાલમાં જ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તેને દાવેદારી નોંધાવી છે. જેમાં ભારતનું સુવર્ણ ચતુર્ભુજ માર્ગ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તાનું 6,000 કિલોમીટર અંતર 88 દિવસમાં કાપીને આ એક રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં 21 ફેબ્રુઆરી 2023 થી દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂઆત કરી હતી અને 20 મેં 2023 સુધીમાં તેણે 6000 કિલોમીટર અંતર કાપીને દિલ્હીના ઇન્ડિયા ગેટ પરત ફર્યો હતો.