અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. લાખો લોકોના આ વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. કુદરતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાળા માથાનો માનવી ગમે તેટલી પ્રગતિ કરી લે, પરંતુ કુદરતના એક જ પ્રહાર સામે તે લાચાર થઈ જાય છે.
જ્યારે પડકારો ઊભા થાય છે, ત્યારે તેનો સામનો કરવા માનવીએ તૈયાર રહેવું પડે છે. અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની રસી તેમજ દવાઓ શોધવા પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે એક મોટો પ્રશ્ન કોરોના વાયરસના દર્દીને ઓળખવાનો છે. અત્યારે આ વાયરસના લક્ષણો ધરાવતા વ્યક્તિના નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ તેના લેબ પરિક્ષણથી વાયરસને ઓળખાય છે. પરંતુ તે પ્રક્રિયા ખર્ચાળ અને લાંબી છે. ત્યારે અમદાવાદમાં રહેતા અને કોમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજીના છેલ્લા વર્ષમાં ભણતા ઉજ્વલ પંચાલ નામના યુવકે એક્સ-રે ઇમેજની મદદથી કોરોના વાયરસના દર્દીને આઈડેન્ટિફાય કરી શકાય તેવું સોફ્ટવેર વિકસાવ્યું છે.
જે અંતર્ગત ચેસ્ટની એક્સ-રે ઇમેજને ઉજ્વલ પંચાલની વેબસાઈટ http://www.ujjawal.world/covid/ પર જઈ અપલોડ કરતા જ તે દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત છે કે, નહીં તેનો નિર્ણય પ્રોબેબીલીટીના આધારે કરી શકાય છે.
કોમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉજ્જવલ પંચાલે જણાવ્યું હતું કે, આ તેમનો ઓનગોઇંગ રિસર્ચ પ્રોજેક્ટ છે.છેલ્લા એક વર્ષથી તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને તેના કમ્પ્યુટર ઉપયોગ પર કામ કરી રહ્યા છે. તેઓ ચેન્નઈમાં ભણેલા છે. તેમને આ પ્રોજેક્ટમાં અમેરિકામાં ભણેલા તેમના ગાઈડ અને પ્રોફેસરે પણ ખૂબ જ મદદ કરી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે વિજ્ઞાન,મેડીકલ, સર્વિસિસ, પ્રોડક્શન સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાઈ ચૂક્યુ છે.ત્યારે ભારતે પણ તે દિશામાં રિસર્ચ હાથ ધરવું જોઈએ તેમ ઉજ્જ્વલે જણાવ્યું હતું. પોતાના પ્રોજેક્ટ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, તેઓ રેડીયોલોજીસ્ટ અને ડોક્ટરને અપીલ કરે છે કે, તેઓ વધુ ને વધુ ડેટા તેમને પૂરા પાડે. જેથી તેના ઉપર વધારે એક્યુરેટ કામ થઇ શકે. અત્યારે તો આ પ્રોગ્રામ મહામારીમાં લોકોના કામ આવી શકે તે માટે ઉજ્જ્વલે ફ્રી માં આપવાની વાત કરી છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યારે તેનું પેટન્ટ કરાવવુ કે નહીં તે નક્કી થશે.