અમદાવાદ : આજના આધુનિક જમાનામાં લોકો તમામ પ્રકારની સુખ સુવિધાઓ જોઈએ છે. જ્યારે અમુક વ્યક્તિઓ હથિયાર રાખવાનો શોખ હોય છે. પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આળસ કરે છે. ગેરકાયદેસર રીતે હથિયારો રાખે છે. ત્યારે આળસનો લાભ લઈને હવે નિવૃત્ત આર્મીના જવાને પૈસા કમાવવાના હેતુથી સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને 800 થી વધુ હથિયાર વેચ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સોલા પોલીસ દ્વારા કાશ્મીર જઈને આખું ઓપરેશન અને કૌભાંડ બહાર પાડ્યું છે. જેમાં સોલા પોલીસે 3 આરોપીની ધરપકડ પણ કરી છે.
હથિયાર વેચવાનું રેકેટ : આ અંગે અમદાવાદના ઝોન -1 DCP લવીના સિન્હાએ જણાવ્યું હતું કે, નિવૃત્ત આર્મીના જવાન દ્વારા ગેરકાયદેસર રીતે હથિયારોનું વેચાણ કરવાનું કારનામું સામે આવ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીરના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ હથિયારના લાયસન્સ આપવાનું રેકેટ શરૂ કર્યું હતું. નિવૃત્ત આર્મી જવાન આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજ બજાવતો હતો. એ સમય દરમિયાન નિવૃત્ત જવાન મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સંપર્કમાં આવ્યો હતો. આ બંનેએ જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોટવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા. જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો હતો.
સોલા પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળી 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પકડાયેલા 3 આરોપી પૈકી નિવૃત્ત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ અને ગન હાઉસનો માલિક ગૌરવ કોટવાલ અને ગન હાઉસનો મેનેજર સંજીવ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે. -ૃ- લવીના સિન્હા (DCP, અમદાવાદ ઝોન -1)
ગેરકાયદે હથિયાર વેચાણ : DCP લવીના સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, હથિયારના લાયસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે તે લાયસન્સ ધારકે હાજર હોવું જોઈએ, પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
મુખ્ય સુત્રધાર : ગેરકાયદેસર હથિયાર કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી મૂળ ગાંધીનગરનો રહેવાસી છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓ આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાયલમાં સિક્યુરિટી હેડ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ બન્ને આરોપી ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપી જતીન નિવૃત્ત આર્મી જવાનને સંપર્ક કરીને તેઓના લાયસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાયસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો.
હથિયાર વેચવાનું નેટવર્ક : પ્રતિક ચૌધરી આ લાયસન્સના આધારે જમ્મુ કાશ્મીરથી રસપાલકુમાર સાથે હથિયાર મેળવી લેતો હતો. જે બાદ ડુપ્લીકેટ લાયસન્સ બનાવીને ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચતા હતા. આરોપીએ 20 થી વધુ લોકોને હથિયાર અને લાઇસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સોલા પોલીસ દ્વારા હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી પ્રતીક 2 થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15 થી 25 લાખમાં ગુજરાતમાં વેચતો હતો. હથિયાર જમ્મુથી અમદાવાદ બસમાં લાવવામાં આવતા હતા. જેને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને વેચ્યા હોવાનું સામે આવ્યું છે.