અમદાવાદ: વટવા GIDC પોલીસે રાજ્ય બહારથી અમદાવાદમાં યુવતીઓ લાવીને દેહવેપાર કરાવતા શખ્સની ધરપકડ કરી છે. લગ્નની લાલચ આપીને યુવતીને અમદાવાદ લાવી પહેલા પોતે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં દેહવેપાર સાથે જોડાયેલી મહિલાને યુવતી સોંપી દીધી હતી.
રાજ્ય બહારથી યુવતીઓ લાવીને દેહવેપારનાં ધંધામાં ધકેલતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરીને 2 શખ્સને ઝડપી લીધા છે. આરોપી સોનું કુરેશીએ હૈદરાબાદની યુવતીને લગ્ન કરવાનું કહીને અમદાવાદ લાવી અને પોતાની પત્નિ હોવા છતાં તેને ઘરમાં રાખીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું એટલું જ નહી તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અલગ અલગ ગ્રાહકો પાસે દેહવેપાર માટે મોકલી આ ધંધામાં ધકેલી દીધી હતી.
યુવતીને અલગ અલગ હોટલોમાં ગ્રાહકો પાસે મોકલવા માટે આરોપીએ રિક્ષાચાલક ફિરોજ અંસારીની મદદ પણ લીધી અને તે બાદ સોનુ કુરેશીએ યુવતીને શહજાદી કુરેશીને સોંપી દીધી.
છેલ્લા કેટલાય સમયથી યુવતીને અલગ અલગ જગ્યાઓએ શહજાદી રસુલ દ્વારા ગ્રાહકો પાસે મોકલવામાં આવતી હતી. 2 દિવસ પહેલાં ફિરોજ અંસારી વટવા GIDC વિસ્તારમાં હોટેલમાં યુવતીને દેહવેપાર માટે રિક્ષામાં લાવતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે મુખ્ય આરોપી સહિત 2 ઇસમોની અટકાયત કરી હતી.
પૂછપરછમાં સામે આવ્યું કે, છેલ્લાં ઘણા સમયથી આ શખ્સો યુવતીઓને અમદાવાદ લાવીને દેહવેપારમાં ધકેલતા હતા. જેથી પોલીસે બન્ને આરોપીઓનાં કોરોનાં ટેસ્ટ કરાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ તો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મહિલા આરોપી સુમન ઉર્ફે શહજાદી રસુલ જે હાટકેશ્વર વિસ્તારમાં રહે છે તેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે. તેની ધરપકડ બાદ અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.