અમદાવાદઃ શહેરમાં અવારનવાર દારૂ અને નશીલા પદાર્થ ઝડપાવવાની અનેક ઘટના સામે આવે છે. ત્યારે ફરી એક વાર શહેરમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે. શહેર SOG ક્રાઈમે ચાંદલોડિયા વિસ્તારમાંથી ચરસના જથ્થા સાથે સુરતના એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે તપાસ કરી યુવકને ઝડપી પાડ્યો હતો. સાથે આરોપી પાસેથી 922 ગ્રામ જેટલો ચરસનો જથ્થો કબજે કરાયો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત
ચાંદલોડિયા વિસ્તારમાંથી ઝડપાયો જથ્થોઃ અમદાવાદ શહેર SOG ક્રાઈમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરતનો એક યુવક અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બકુલ સાધુ નામના યુવકને ચરસનો જથ્થો ડિલિવર કરવા આવશે. બાતમીના આધારે, શહેર SOG ક્રાઈમે ચાંદલોડિયા વિસ્તારમાં બાપા સીતારામ મઢુલીની પાછળ રેલવેના ગરનાળા પાસે વોચ ગોઠવી હતી અને મેહુલકુમાર પંડ્યા નામના 32 વર્ષીય સુરતનો યુવક ત્યાં આવતા જ તેને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતા 1.38 લાખથી વધુની કિંમતનો 922 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો.
પોલીસે શરૂ કરી પૂછપરછઃ સમગ્ર મામલે પોલીસે પકડેલા આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમ જ આ ચરસનો જથ્થો રિસીવ કરવા આવનારો બકુલ સાધુ નામના યુવકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તો પકડાયેલો આરોપી ડ્રાઈવિંગનું કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા તે અગાઉ પણ અમદાવાદ શહેરમાં ચરસનું જથ્થો લઈને આવ્યો છે કે કેમ. તેમ જ તે કેટલા સમયથી ચરસના કારોબારમાં જોડાયો છે. તે તમામ દિશામાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Surat Drugs Case : હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં
પોલીસે કરી ધરપકડઃ આ અંગે SOG ક્રાઈમના PI ડી. વી. હડાતે જણાવ્યું હતું કે, બાતમીના આધારે સુરતના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચરસનો જથ્થો કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.