અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા મંગળવારે યોજાનાર છે, જે રથયાત્રાને લઈને છેલ્લા બે મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા પ્રયાસ કરાયા છે. આ વખતની રથયાત્રામાં હ્યુમન સોર્સની સાથે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે, જેમાં અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રથયાત્રા રૂટના થ્રીડી મેપિંગ અને 360 કેમેરા થકી સમગ્ર રૂટ ઉપર લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. ત્યારે થ્રીડી મેપિંગની કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું.
પ્રથમવાર થ્રિડી મેપિંગનો ઉપયોગ: ટેકનોલોજીના આધારે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રાનો ડેટા તૈયાર કરાયો છે, જેથી ભવિષ્યમાં યોજાનારી રથયાત્રામાં પણ પ્લાનિંગ કરવું પોલીસ માટે સરળ બની રહેશે. થ્રીડી મેપિંગમાં પોલીસની વ્યવસ્થા, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઇન્ટ સહિતની તમામ માહિતી રાખવામાં આવી છે. સાથે જ મોબાઈલ સીસીટીવી કંટ્રોલ વ્હીકલ પણ રથયાત્રામાં તૈનાત રહેશે, જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે. સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
" ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રાઓમાંથી એક છે, યાત્રાને આસ્થા અને વ્યવસ્થા સાથેની યાત્રા કહેવાય છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર ચર્યાએ નીકળે છે, જેમાં 26,000 પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. આ યાત્રા ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી છે. થ્રીડી મેપિંગની વ્યવસ્થા રથયાત્રા માટે ખૂબ જ કારગત નિવડશે. નવી ટેકનોલોજી નો ઉપયોગ સાથે રથયાત્રા ની સુરક્ષામાં વધારો થશે." - હર્ષ સંઘવી, ગૃહ રાજયપ્રધાન
3D મેપિંગ શું છે?: 3D મેપિંગને પ્રોજેક્શન મેપિંગ અથવા વીડિયો મેપિંગ પણ કહેવાય છે. 3D મેપિંગ એક સૌથી સારો લાભ છે કે આ વિઝ્યુલાઇજેશન અને જાણકારી એકત્ર વા માટે નવીનતમ ટેક્નોલોજી દ્વારા માહિતીઓ પ્રદાન કરે છે. વસ્તુ-ક્ષેત્રના અધ્યયન માટે 3D નકશા ઉપલબ્ધ થવાથી જ્ઞાન દશ્ય માનવચિત્રણ સરળ થાય છે. એક 3D નકશો એક સ્થાનનું વાસ્તવિક દ્રશ્ય પ્રદાન કરે છે. જેનો ઉપયોગ સ્થાનિક અધિકારીઓ અને યોજનાઓ દ્વારા કરવામાં આવી શકે છે.
અમિત શાહ આપશે હાજરી: રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા અને સાધુસંતો અને ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ યોજાશે. 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે. અષાઢી બીજે યોજનાર રથયાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેતા હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિધિમાં ભાગ લેતા હોય તેને લઈને પણ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત સહિતની તમામ પ્રક્રિયાઓ ગોઠવી દેવાઈ છે.