અમદાવાદ : રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ બપોર બાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં આજના દિવસમાં બે કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં કર્યા કેટલો વરસાદ : અમદાવાદ શહેરમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સરખેજ 5 ઇંચ, જોધપુર 5 ઇંચ, બોપલ 7 ઇંચ, મકતમપુરા 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે દૂધેશ્વર ખાતે 5 ઇંચ અને દાણાપીઠ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ઝોનમાં મેમકો ખાતે 4 ઇંચ અને કોતરપુર ખાતે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
પરિક્ષા મોફુક રાખવામાં આવી : સતાવાર યાદી મુજબ સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તારીખ 23,07,2023ને રવિવારના રોજ 10.30 કલાકે રાખવામાં આવેલ જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવે છે. સદર લેખિત પરિક્ષાનું પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. જેની લાગતા વળગતા ઉમેદવારો એ નોંધ લેવી.
પૂર્વ ઝોનમાં વરસાદ : પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો ચીકુડિયામાં સાડા પાંચ ઇંચ, ઓઢવમાં 4 ઇંચ, વિરાટનગર 4 ઇંચ, કઠવાડામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં પાલડી ખાતે 5 ઇંચ, ઉસ્માનપુરા 5 ઇંચ, ચાંદખેડા 5 ઇંચ અને રાણીપ ખાતે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ઝોનના મણીનગરમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અંડરપાસ બંધ કરવામાં આવ્યા : સાબરમતી નદી પર બાંધવામાં આવેલા વાસણા બેરેજના કુલ 12 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પરિમલ, મીઠાખળી, કુબેરનગર, ઉસ્માનપુરા અને અખબાર નગર એમ કુલ 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.