અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં ગર્ભવતી યુવતીનું અચાનક મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. મેઘાણીનગરમાં પરણેલી યુવતી નિકોલમાં પિયરમાં ગઈ હતી અને સવારે તેને દુખાવો થતાં મેઘાણીનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં થોડી સારવાર આપ્યા બાદ તેની હાલત ગંભીર જણાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદનાં મેઘાણીનગર વિસ્તારમાં લગ્ન કરીને રહેતી 24 વર્ષીય કોમલ વિષ્ણુભાઈ પટણી નામની યુવતીનું અચાનક મૃત્યુ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. યુવતીના લગ્ન થોડા સમય પહેલા વિષ્ણુભાઈ નામનાં યુવક સાથે થયા છે, અને તે પતિ અને સાસરિયાઓ સાથે મેઘાણીનગર છેલ્લાં બસ સ્ટેન્ડ પાસે રહે છે અને તેનો પતિ છૂટક મજૂરી કરે છે. કોમલ પટણીને 9 મહિનાનો ગર્ભ હતો અને તેની સારવાર મેઘાણીનગર ખાતે આવેલી સોનલ હોસ્પિટલમાં ચાલી રહ્યું હતું, રવિવારે તેના સાસરિયાઓને બહાર જવાનું હોવાથી તેને પિયરમાં નિકોલ ખાતે મોકલી દેવામાં આવી હતી.
પરિવારજનોએ હોબાળો મચાવ્યો : આજે વહેલી સવારે કોમલ પટણીને લેબર પેઇન થતાં તેના પિતા તેને લઈને મેઘાણીનગરની સોનલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેને ફરજ પરના તબીબે એક બોટલ ચઢાવી હતી, જોકે યુવતીને વધુ દુખાવો થતા તેને સિવિલ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ત્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી, જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
આ મામલે યુવતીનું મૃત્યુ કેમ થયું તે જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ તેમજ વિશેરા રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણીને કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ અંગે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. - વાય.જે રાઠોડ (PI, મેઘાણીનગર પોલીસ સ્ટેશન)
તબીબની બેદરકારી : આ અંગે સોનલ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મૃત્યુ થયુ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા મેઘાણીનગર પોલીસે સ્થળ પર પહોંચીને મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મૃતક યુવતીના પિતા મહેશભાઈ પટણીની અરજી લઈને જાણવા જોગ દાખલ કરવામા આવી છે. યુવતીની મૃત્યુ પાછળનું રહસ્ય જાણવા માટે પોલીસે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેની મૃત્યુ પાછળનું કારણ સામે આવશે.