અમદાવાદ: શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ જી.એસ મલિક એક્શનમાં મોડમાં આવ્યા છે. 31મી જુલાઈએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો અને 3 દિવસના 10 ગુનેગારોને પાસા જેવી કડક કાર્યવાહી કરી છે. ગુનેગારો સામે પોલીસનું સૌથી મોટું હથિયાર પાસા છે. જોકે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું પદ છેલ્લા 3 મહિનાથી ચાર્જમાં ચાલતું હોવાથી ઈન્ચાર્જ CP પાસે પાસા કરવાની સત્તા ન હોવાથી અનેક ગુનેગારો બેરોકટોક ફરી રહ્યા હતા.
10 ગુનેગારોને પાસા: પ્રિવેન્શન ઓફ ક્રાઈમ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર પોલીસ કમિશનર દ્વારા પહેલી, બીજી અને ત્રીજી ઓગસ્ટ 3 દિવસમાં 10 ગુનેગારોને પાસાનો આદેશ કર્યો છે, તે તમામ આરોપીઓને સુરત, રાજકોટ અને વડોદરાની જેલમાં ધકેલાયા છે. પહેલી ઓગસ્ટ એક, બીજી ઓગસ્ટે 6 અને ત્રીજી ઓગસ્ટે 3 ગુનેગારોને પાસા કરવામા આવી છે.
3 મહિના સુધી પદ રહ્યું ખાલી: અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલના રોજ વ્યનિવૃત થયા હતા, જે બાદ પોલીસ કમિશનરનો ચાર્જ એડિશનલ CP પ્રેમવીરસિંહ યાદવ પાસે હતો, 3 મહિના સુધી અમદાવાદ શહેરમાં અનેક ગુનેગારોને પાસા કરવાની દરખાસ્ત અલગ અલગ પોલીસ સ્ટેશનના PI દ્વારા ઈન્ચાર્જ કમિશનરને મોકલવામાં આવી હતી. તેઓ પાસે ચાર્જ હોવાથી પાસા કરવાની સત્તા ન હોવાથી અનેક ગુનેગારો ખુલ્લેઆમ શહેરમાં ફરી રહ્યા હતા.
નવા કમિશનર: 31મી જુલાઈએ અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 1993ની બેચના સિનિયર IPS જી.એસ મલિકને સોંપવામાં આવ્યો અને તેઓએ આવતાની સાથે જ સૌથી પહેલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કામ કરશે તેવું જણાવ્યું હતું.
પોલીસ કમિશનર કટિબદ્ધ: ગુનેગારોની માનસિકતા બદલવા અને અન્ય ગુનેગારોને કાબુમાં રાખવા માટે પાસા સૌથી મોટું હથિયાર છે, તેવામાં આગામી દિવસોમાં અનેક ગુનેગારોને પાસા કરી અન્ય જિલ્લા જેલમાં ધકેલાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. હજુ પણ અનેક ગુનેગારોને પાસા કરવાની દરખાસ્ત મજૂર કરવાની બાકી હોય તે તમામ ગુનેગારોને પાસા કરી શહેરમાં શાંતિમય માહોલ બની રહે તે માટે શહેર પોલીસ કમિશનર કટિબદ્ધ રહેશે.