અમદાવાદ : જન્મજાત અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલમાં ડોક્ટરોએ જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને દિવાળી પૂર્વે અમૂલ્ય ભેટ આપતા પોતાના બાળકોને મોઢેથી ખાતાં જોઇ બંને માતાઓની આંખોમાં હર્ષના આંસુ સારી પડ્યા હતા. ડોક્ટરોએ સર્જરી બાદ પીડામુક્ત કરી બાળકોમાં જઠરમાંથી અન્નનળી બનાવી મોંથી ખોરાક લેતા કરી નવી જિંદગી બક્ષી છે.
ઇસોફેજલ એટ્રેસિયા કેસ : ડૉક્ટરોના કહેવા મુજબ આ અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી સાથે જન્મે છે. સિવિલના બાળરોગ સર્જનો આ પ્રકારની સર્જરી કરીને બાળકોને પીડામુક્ત કરે છે. બાળકને જન્મજાત ખામીને લીધે ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય ત્યારે આવી સ્થિતિ ઉદભવે છે.
દુર્લભ જન્મજાત ખામી : આ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતાં. હર્ષ (નામ બદલ્યું છે) ભરૂચના મજુરી કરી ગુજરાન ચલાવતા દંપતિનો અઢી વર્ષનો પુત્ર છે જ્યારે અંશ (નામ બદલ્યું છે) 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતાપિતા અમદાવાદના રહેવાસી છે. જન્મબાદ આજ્દિન સુધી આ બાળકો પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા.
જન્મતાં જ ઓપરેશન કરવું પડ્યું : જીવનના પ્રથમ દિવસે જ આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપરના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગમાં કાઢવાનું અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું.
માતાપિતાએ બે વર્ષ સુધી સતત કાળજી રાખી : જન્મ બાદથી બે વર્ષ સુધી આ બંને માતાપિતાએ પોતાના બાળકોને ડોક્ટરોની સલાહ મુજબ બાળીને લાળ સતત બહાર આવ્યા કરે અને ભૂલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળીમાં ન જાય તેની કાળજી લીધી હતી. પેટ ઉપર મુકેલી નળી દ્વારા દર બેથી ત્રણ કલાકનાં સમયાંતરે દિવસ રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યાં હતાં.
નવી ફૂડ પાઇપ બનાવવાનું ઓપરેશન કરાયું : છેવટે 20 સપ્ટેમ્બર 2023 અને 20 ઑક્ટોબર 2023 ના રોજ બંને બાળકોની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલ અપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી હતી. જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળીના ઉપરના ખૂલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી.
જટીલ સર્જરી કરનારી ટીમ : આ શસ્ત્રક્રિયા વિભાગના વડા, બાળ સર્જરી વિભાગ અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી, બાળ સર્જરી વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર ડો. જયશ્રી રામજી દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમનું નેતૃત્વ ડો. ભાવના રાવલ અને ડો. નમ્રતા દ્વારા કરવામાં આવ્યું અને એક જટીલ સર્જરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી હતી.
પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો : બંને બાળકોએ તેમના જીવનના અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો ત્યારે તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતાપિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો. બાળકોના માતાપિતાએ ડોક્ટરોએ કરેલી આ સંતોષકારક સર્જરીને દિવાળીની ભેટ ગણાવતા હર્ષના આંસુ સરી પડ્યાં હતાં.