અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ જોવા મળી રહ્યો નથી. ત્યારે પાણીજન્ય કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ માસમાં ડેન્ગ્યુના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. માત્ર દસ દિવસમાં 218 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં કુલ 805 જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતાં.
વરસાદનો વિરામ : રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ આંક માત્ર દસ દિવસમાં જ 250 થી પણ વધારે કેસ સુધી પહોંચી ગયો છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દસ દિવસમાં જ શહેરમાં કોલેરાના ત્રણ કેસ સામે આવતા એએમસી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
અમદાવાદ શહેરની અંદર રોગચાળા પર કાબૂમાં મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ એકમમાં મચ્છર બ્રીડિંગની તપાસ કરવામાં આવી રહી છે. મચ્છરનો ઉપદ્રવ વધુ ન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જગ્યા ઉપર દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે...ડો. ભાવિન સોલંકી ( એચઓડી, આરોગ્યવિભાગ, એએમસી )
પાણીજન્ય રોગના કેસ 350 પાર : અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. વરસાદે વિરામ આરામ લીધા બાદ પાણીજન્ય રોગના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડાઉલટીના 155, કમળાના 61, ટાઇફોઇડના 140 અને વટવા, ઇન્દ્રપુરી અને ચાંદલોડીયા વોર્ડમાં એક એક કેસ સામે આવ્યા છે.
આરોગ્યવિભાગની કામગીરી શું : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 4017 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 115 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 973 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી કુલ 25 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
મચ્છરજન્ય કેસનો આંક 250 ને પાર : અમદાવાદ શહેરના ચાલુ માસમાં મચ્છરજન્ય રોગના કેસની સંખ્યા 250ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 37, ઝેરી મેલેરિયાના 5 કેસ, ડેન્ગ્યુના 218 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીની તપાસ માટે 24365 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 2649 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.