અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા મહાનગર વિસ્તારોમાં રખડતા ઢોરો બાબતે પોલિસી અમલી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં હજુ પણ કોર્પોરેશન તંત્ર અને માલધારીઓ આમને સામને છે. અમદાવાદમાં હજુ પણ અનેક પશુઓના રજિસ્ટ્રેશન થયા નથી. ત્યારે હવે રજિસ્ટ્રેશન માટે કોર્પોરેશન દ્વારા જમીનના દસ્તાવેજ માંગવામાં આવતા હોવાનો વિરોધ સાથે માલધારીઓ કોર્પોરેશન ઓફિસ અને મેયર કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી આપવામાં આવી છે.
પશુ રાખવાના દસ્તાવેજની માગણીનો વિરોધ : માલધારી પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે રસ્તા ઉપર રખડતા ઢોલ પકડવાની કામગીરી સામે અમારો કોઈ જ પ્રકારનો વિરોધ નથી. પરંતુ માલધારીઓ પાસે પશુ રાખવાના દસ્તાવેજ માંગવામાં આવે છે.
જે માલધારીઓ પાસે લાઈટ બિલ અને દસ્તાવેજ હોય તેવા માલધારીઓને જ પશુ રાખવાનું લાઇસન્સ આપવાની નવી બાબતે કોર્પોરેશન તરફથી સામે આવી છે. ત્યારે માલધારી સમાજની સમસ્યા ન સમજી ખોટા ખોટા એફિડેવિટ ફાઇલ કરવામાં આવે છે. પશુ રાખવાની જગ્યાનું ટેક્સ બિલ અને લાઈટ બિલ કઈ રીતે આપી શકીએ? અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે માલધારીના મકાન દીઠ જે 200 રૂપિયા ઉઘરાવ્યા હતાં અને વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી ત્યારે કોઈ વ્યવસ્થા તો થઈ નથી .પરંતુ 200 રૂપિયા આજે ઉઘરાવ્યા હતા તેનું શું થયું? આ પ્રશ્નો બાબતે 200 રૂપિયાની પહોંચ સાથે મંગળવારે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવશે...નાગજી દેસાઈ ( માલધારી પશુપાલન બચાવ સમિતિ )
200 રુપિયાની રસીદો સાથે પહોંચશે કોર્પોરેશન : પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેે મંગળવારે 28 નવેમ્બરના રોજ ગુજરાત અને અમદાવાદના પશુપાલકો પોતાના ઘરે અથવા તો વરંડામાં પશુઓ રાખી શકે તે માટે ટેક્સ બિલ અને લાઈટ બિલના આધારે પોતાના કબજાની માલિકી માન્ય રાખીને પશુઓ રાખવાનું લાઇસન્સ આપવાની માંગ કરીશું. ભૂતકાળમાં તંત્ર દ્વારા 200 રુપિયા લેખે પશુ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીદો પણ આપેલ હતી. તે રજીસ્ટ્રેશન માન્ય રાખવાની રજૂઆત માલધારીઓ કોર્પોરેશનને કરશે.