અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય મર્યાદાના કારણે તેઓ 30મી એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસનું સુકાન કોને સોંપવામાં આવે છે, તે ચર્ચા પોલીસ બેડામાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. સામાન્ય રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે રાજ્યના ડીજી પછી સૌથી સિનિયર આઈપીએસ ઓફિસરને બનાવવામાં આવે છે.
સિનિયોરીટી પ્રમાણે નહીં હોય : જોકે આ વખતે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ સિનિયોરીટી પ્રમાણે નહીં પરંતુ અન્ય ગણિતના આધારે કોઈ પણ આઈપીએસ ઓફિસરને અમદાવાદ શહેર પોલીસ કમિશનર બનાવે તેવી શક્યતાઓ સેવાય રહી છે. જોકે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના પદ માટે જે નામ ચર્ચાઈ રહ્યા છે, તેના પર પણ કદાચ ગૃહ વિભાગ મહોર લગાવી શકે છે.
આ પણ વાંચો આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પદભાર સંભાળતાં IPS પ્રવીણ કુમાર, વ્યક્ત કરી નેમ
આ ત્રણ નામ છે પોલીસ કમિશનરની રેસમાં : સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ગૃહ વિભાગ દ્વારા 28 કે 29 મી એપ્રિલના રોજ નિર્ણય લઈ લેવામાં આવશે. કારણ કે 30મી એપ્રિલે રવિવાર હોવાથી શનિવારે સાંજે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર પદેથી નિવૃત થઈ જશે. અમદાવાદ પોલીસ બેડામાં છેલ્લા ઘણા દિવસોથી જે નામો પોલીસ કમિશનર તરીકે ચર્ચાઈ રહ્યા છે, ત્યારે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે હાલમાં આઈબીમાં ચીફ તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત તેમજ રાજ્યની જેલ વિભાગના વડા ડૉ. કે.એલ.એન રાવ અને સમશેર સિંઘનું નામ ચર્ચામાં છે.
અજય તોમર શા માટે નહીં : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની રેસમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરનું પણ નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચા રહ્યું હતું, પરંતુ હાલની સ્થિતિ અને સંજોગોને જોતા તેમજ અજય કુમાર તોમર થોડા જ મહિનાઓમાં રિટાયર્ડ થતા હોવાથી તેઓને સુરત પોલીસ કમિશનર તરીકે જ રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો Operation Kaveri: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ મોડી રાત્રે પહોંચશે મુંબઈ
અન્ય બદલીઓ પણ થશે : મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની જગ્યાએ નવા પોલીસ કમિશનર મૂકવામાં આવશે. તેની સાથોસાથ ગુજરાતમાં 15થી વધુ સિનિયર IPS અધિકારી અને 25 જેટલા DYSP પણ બદલીઓ થઈ શકે છે.
જેલ વિભાગના વડાનો મોટો પ્રશ્ન : અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદની ઘટના બન્યા બાદ જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન રાવને કદાચ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ ન કરીને અન્ય કોઈ જગ્યાએ બદલી કરવામાં આવી શકે છે. તેવામાં જેલ વિભાગના વડા તરીકે કોને મૂકવામાં આવે છે તે પણ મોટો પ્રશ્ન છે.
એસીબીને નવા વડા મળે તેવી શક્યતાઓ : રાજ્યની લાંચરુશ્વત વિરોધી બ્યુરોના વડાની જગ્યા પણ છેલ્લા ઘણા સમયથી ચાર્જમાં ચાલી રહી હોય, ત્યારે એસીબીને પણ નવા વડા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મહત્વનું છે કે આગામી ચાર દિવસમાં ગુજરાતના IPS બેડામાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે અમદાવાદ શહેર સિવાય અન્ય કોઈ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં નહીં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મહિલા આઈપીએસ પણ હોઇ શકે : રાજ્ય સરકાર દ્વારા દર વખતે કંઈક નવું જ કરવામાં આવતું હોય છે અને જે પ્રકારે અનેક મોટા ફેરફારો ગત સમયમાં કરવામાં આવ્યા છે. તેને જોતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે મહિલા IPS નીરજા ગોતરૂને પણ બનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. અથવા તો દિલ્હીમાંથી ડેપ્યુટશન પર ગયેલા સિનિયર IPS અધિકારીને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે આ બધી અટકળો પર ટૂંક સમયમાં અંત આવી જશે અને શહેર પોલીસને નવા કમિશનર કોણ મળે છે તે પ્રશ્નનો જવાબ મળી જશે.
અમુક અધિકારી ન આવે તેવી પ્રાર્થના? : અમદાવાદ શહેર પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનરના નામને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં અમુક IPS ઓફિસર શહેર પોલીસ કમિશનર તરીકે ન આવે તેવી ઘણા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પ્રાર્થના પણ કરી રહ્યા છે. અમુક IPS અધિકારીઓ શહેર પોલીસ કમિશનર બનવા માટે દિલ્હી સુધી આંટાફેરા પણ કરતા હોય તેવી પણ વાતો સામે આવી છે, ત્યારે અંતે ગુજરાતના ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા કયા IPS અધિકારી પર શહેર પોલીસ કમિશનરની મહોર લગાવવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
બદલીનો દોર આવશે : અમદાવાદ શહેર પોલીસ કમિશનર બદલાયા પછી શહેરમાં કંટ્રોલ DCP, ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને ઝોન 6 DCP બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે હાલમાં જ સરકારે મુખ્યમંત્રી સિક્યુરિટીમાં ફરજ બજાવતા DYSP ની બદલીઓ કરી છે તેવામાં રાજ્યમાં અનેક IPS અધિકારીઓની બદલી ગમે તે સમયે કરવામાં આવી શકે છે.