અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા આજ દેશના પાંચમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના મહેનતુ યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાના હેતુ સાથે યોજવામાં આવી રહેલા રોજગાર મેળા અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલી આયોજિત રોજગાર મેળો અમદાવાદમાં પણ યોજાયો હતો. આજે દેશભરમાં કુલ 71000 સરકારી નોકરીના નિમણૂક પત્ર સોપવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં રુપાલા હાજર રહ્યાં : ભારત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીના નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે કેન્દ્રીય પ્રધાન પુરુષોતમ રૂપાલા ઉપરાંત સાંસદ કિરીટ પટેલ, હસમુખ પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્ય હાજર રહ્યા હતાં. દેશનો પાંચમો રોજગાર મેળો યોજાયો તેમાં કુલ 71000 હજાર યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યાં છે.ગુજરાતમાં સરકારી જોબ મેળવનાર યુવાનો અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ દેખતાં જ બનતો હતો.
હું હાલમાં બીએ ઇકોનોમીમાં અભ્યાસ કરી રહું છે. આજે મને GDC BPM પદ જોબ મળી છે. મારા પરિવારમાં હું પહેલી છોકરી છું જેને સરકારી નોકરી મળી છે. મારા માતાપિતાનું સપનું હતું કે હું મારા પગ પર ઉભી થઉં અને આજ મેં મારા માતાપિતાનું સપનું પૂરું કર્યું છે... દિયા પટેલ (જોબ મેળવનાર)
પીએમ મોદીનું સંબોધન : રોજગાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરીમાં જોડાઈને જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં નેચર ઓફ જોબમાં ખૂબ ઝડપી બદલાવ આવ્યો છે. યુવાનો માટે નવા સેકટર ઉભા કરવામાં આવી રહ્યા છે.જેમાં કેન્દ્ર સરકાર પણ મદદરૂપ થઈ રહી છે.2014 પહેલા MBBS સીટ સંખ્યા 80 હજારની હતી. જે આજ 1 લાખ 79 હજારથી વધુ છે. છેલ્લાં 9 વર્ષમાં દરરોજ 1 નવી ITI ખોલવામાં આવી રહી છે અને તેમાં પણ નવા નવા સ્કિલ ડેવલપેન્ટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. દેશ ખુબ જ ઝડપી આગળ વધી રહ્યો છે. દેશમાં પહેલાં 71 એરપોર્ટ હતાં જેની સંખ્યા આજ વધીને 150ની આસપાસ પહોંચી છે. દેશની ઇકોનોમી પણ વધી રહી છે.
મને અમદાવાદ DRM ઓફિસમાં સિનિયર કલાર્ક જોબ મળી છે. હું આ નોકરીથી ખૂબ જ ખુશ છું. મને અમદાવાદ DRM ઓફિસમાં જોબ મળી છે. આ પરીક્ષાના ફોર્મ 2019માં ભરાયા હતાં અને કોવિડના કારણે આ ભરતી થઈ શકી નહોતી. આ પહેલાં પણ ગુજરાત સરકારની 3 નોકરી મળી હતી ત્યાં નોકરીમાં રાજીનામું આપી હવે કેન્દ્ર સરકારમાં નોકરી મેળવી છે. રિંકલ પટેલ (જોબ મેળવનાર)
યુવાનોનો ઉત્સાહ વધશે : અમદાવાદમાં સરકારી નોકરીના નિમણૂક પત્ર યુવાનોને જેમના હસ્તે અપાયા તેવા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આ તકે જણાવ્યું કે આ જ પ્રકારના કાર્યક્રમને કારણે દેશના યુવાનોને ભારત સરકારના વિકાસના કામોમાં જોડવાનો મોકો મળી રહે છે. મિશન મોડની અંદર આ રોજગાર મેળાની શરૂઆત કરવામાં આવેલ આ અભિયાન તેજ કરનાર છે આવા રોજગાર મેળાથી યુવાનોનો ઉત્સાહ વધશે.
હું કોટાનો રહેવાસી છે. મારું અમદાવાદ રેલવેમાં લોકો પાઈલટમાં સિલેક્શન થયું છે. આ જોબ મળવાથી મારો પરિવાર ખૂબ જ ખુશ છે. આ નોકરી મળવાથી હવે હું મારા પરિવારને મદદરુપ થઈ શકું છું. આ ભરતી પ્રક્રિયા 2018થી ચાલતી હતી જે આજ મને મળી છે. નીલેશ જંગી (જોબ મેળવનાર)
ગુજરાતમાં કેટલી સરકારી જોબ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઇન હાજરી વચ્ચે ગુજરાતમાં 3 શહેરમાં રોજગાર મેળો યોજાયો. આમાં નિમણૂક પત્ર મેળવનારામાં ગુજરાતમાં સરકારી જોબ મેળવનાર કેટલા તેનો આંકડો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં અંદાજે 400, વડોદરામાં 130, રાજકોટમાં 203 યુવાનો મળી કુલ 750થી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપીને સરકારી જોબ આપવામાં આવી છે.
રાજકોટમાં રામ મોકરિયાના વિવાદિત બોલ : બીજી તરફ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ રાજકોટમાં જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી નથી. છેલ્લા દસ વર્ષમાં નવા મોલ બન્યા છે, તેમાં સફાઈ કામદાર અને સિક્યુરિટી સ્ટાફની જરૂરિયાત રહે છે. નવા નવા અનેક કોમ્પલેક્સ બની રહ્યા છે. ત્યાં નવી રોજગારીનું સર્જન થતું રહે છે. ખેતીમાં પણ ઘણુ બધું કામ છે. હાલ મજૂરો મળતા નથી. લોકો માત્ર વાતો કરે છે કે નોકરી નથી, પણ ગ્રાઉન્ડ રિયાલીટી ઉપર તમે જૂઓ તો ઓફિસમાં સ્ટાફની અછત છે. સરકારી આંકડા બતાવીને કોંગ્રેસ અને વિરોધ પક્ષ એવું સાબિત કરે છે કે દેશમાં બેરોજગારી છે, ખરેખર જોવા જઈએ તો બેરોજગારી છે જ નહી.
કઇ પોસ્ટ પર રોજગાર અપાયો : કેન્દ્ર સરકાર દ્વારા આજ ગ્રામીણ પોસ્ટ વિભાગ, ઇન્સ્પેક્ટર પોસ્ટ, ટીકીટ કલાર્ક, જુનિયર કલાર્ક કમ ટાયપીસ્ટ, એકાઉન્ટ કલાર્ક, લોવેર ડિવિઝન કલાર્ક, ટેક્સ આસિસ્ટન્ટ, નર્સિંગ ઓફિસર, ઓડિટ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ, પ્રિન્સિપલ, લોકોપાઈલેટ, કોન્સ્ટેબલ, આસિસ્ટ પ્રોફેસર, એકાઉન્ટ ઓફિસર સહિત અનેક પોસ્ટ પર 71000 જેટલા યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આપવામાં આવ્યા હતાં.