અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી 108 ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું 56 ઈંચ ઊંચું તૈયાર કર્યું છે. જ્યારે તેનું વજન 25 મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે.
56 ઈંચ ઊંચું વિશાળકાય નગારું તૈયાર કરાયું : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે. ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારું તૈયાર કરાયું છે. ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરીએ અયોધ્યા લઇ જવામાં આવશે. અયોધ્યામાં મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારું શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબગર સમાજે મહાકાય નગારું તૈયાર કર્યું છે.
રામ મંદિરમાં શોભા વધારશે : 500 કિલોનું આ નગારું 56 ઇંચ ઊંચું છે. જેને 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈ ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા વધારે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ન થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
નગારાનું પૂજન કર્યું : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ ડબગર સમાજની વિનંતી સ્વીકારી, જ્યાં વિશાળ નગારું તૈયાર કરાયું છે ત્યાં આવીને નગારા પર ભગવાન સ્વામિનારાયણને બિરાજમાન કર્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના અગ્રણી સંતો પણ હાજર હતાં. નગારા પર પુષ્પમાળા પહેરાવી, અક્ષત, કંકુ અને પુષ્પથી પૂજા વેદ મંત્રોનો ઉચ્ચાર સહ કરવામાં આવી હતી.