અમદાવાદ : ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ગતરોજ એટલે કે અષાઢી બીજના રોજ નવા રથમાં બેસીને શહેરના લોકોને દર્શન આપવા માટે નીકળ્યા હતાં. ત્યારે ભગવાન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શહેર તેમજ સમગ્ર ગુજરાતમાંથી પણ લોકો રોડ ઉપર રહીને ભગવાનના દર્શન કર્યા હતા. તમામ લોકો ભગવાનને "જય જગન્નાથ"ના નારાથી સ્વાગત કર્યું હતું. મંહત દિલીપદાસજી મહારાજે સૌનો આભાર માન્યો છે.
ભગવાન જગન્નાથની 146 રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જેમાં દરેક સમાજના લોકો ભારે ઉત્સાહપૂર્વક મદદમાં આવ્યાં હતાં. લાખો લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના તમામ લોકોએ ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપ્યો છે...મહંત દિલીપદાસજી મહારાજ(જગન્નાથ મંદિર)
વહેલી સવારે પ્રક્ષાલન વિધિ યોજાઇ : ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઈ સાથે ગત રોજ અષાઢી બીજે અમદાવાદ શહેરના લોકોને દર્શન આપવા માટે નીકળ્યા હતાં. ત્યારે નિજ મંદિર પરત આવ્યાં બાદ સમગ્ર રાત્રિ પોતાના મંદિર પરિસરમાં જ કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. આ પ્રક્ષાલન વિધિમાં પણ મોટી સંખ્યામાં શહેરના લોકો મંદિર પહોંચ્યાં હતાં.
ભગવાનનો રાતવાસો બહાર કેમ? : ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ મંદિર પરિસરમાં રાત પસાર કરવી પડી હતી. ત્યારે આ પંરપરા પાછળનું કથાનક એવું છે કે એક લોકવાયકા મુજબ ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેનની સાથે નગરમાં ફરવા જતાં રહે છે. જેથી ભગવાનના પત્ની રુકમણિ તેમનાથી નારાજ થયાં હોવાથી રાજમહેલના પ્રવેશ દ્વાર બંધ કરી દે છે. જેથી ભગવાન જગન્નાથને તેમના ભાઈ અને બહેન સાથે મંદિરની બહાર જ રાતવાસો કરવો પડે છે. આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. રથયાત્રાના બીજા દિવસે સવારમાં પ્રક્ષાલન વિધિ તેમને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે.
ભગવાનની નજર ઉતારવામાં આવી : રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે અષાઢ સુદ ત્રીજે થતી પરંપરાગત વિધિમાંની એક વિધિ નજર ઉતારવાની વિધિ પણ છે. ગત રોજ 10 વાગ્યા બાદ ભાઈ બલરામજીનો રથ પણ મંદિર પરિસરમાં આવતાં ત્રણેય ભગવાનના રથને સુરક્ષિતપણે પરિસરમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સૌથી પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નજર ઉતારવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે શહેરના લોકોને દર્શન માટે આપવા નીકળે છે તો તેમને નજર લાગી જાય છે. જેથી તેમની સૌથી પહેલા નજર ઉતારવામાં છે. ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવી હતી.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઇ : રથયાત્રા ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 30,000 વધુ પોલીસ કર્મચારીઓ સમગ્ર રથયાત્રાના રોડ ઉપર સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અલગ અલગ ડ્રોન કેમેરા તેમજ આધુનિક ટેકનોલોજીથી સજજ સાધનો પણ રથયાત્રામાં પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ રથયાત્રાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.
હજારો કિલો પ્રસાદ વહેચાયો : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં હજારો કિલો પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં માત્ર જગન્નાથ મંદિર તરફથી જ 30 હજાર કિલો મગ, 500 કિલો કેરી, 500 કિલો જાંબુ,400 કિલો કાકડી,2 લાખ ઉપરણાંનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. આ ઉપરાંત 101 જેટલી ટ્રકો પણ જોડાઈ હતી. જેમાં ટ્રકમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓને ચોકલેટ, જાંબુ, કાકડી અને કેરી જેવા પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.