અમદાવાદ : અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. જેની સાથે અમદાવાદમાં જનસંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બહારના લોકો પણ અમદાવાદ શહેરમાં રોજગાર પ્રાપ્ત કરવા માટે સ્થાયી થઈ રહ્યા છે. શહેરના લોકોને જીવન જરૂરિયાતની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીની ટાંકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ઓવરહેડ તેમજ અંડર ગ્રાઉન્ડ એમ બે પ્રકારની ટાંકી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પીવાના પાણીની ટાંકીને મંજૂરી : આ બાબતે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, ઘાટલોડિયામાં અત્યાર સુધી નાની પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવતું હતું. ત્યારે ઘાટલોડિયામાં કલેકટરના એક પ્લોટમાં દબાણ દૂર કરીને તે કલેકટરનો પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે. જેના થકી 25 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી અને 25 લાખ મિલિયન લિટરની ક્ષમતા ધરાવતી અંડર ગ્રાઉન્ડ ટાંકીના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
ભૂયંગદેવ અને સતાધાર સુધીના વિસ્તારના અંદાજે 60 હજાર જેટલા લોકોને આ પીવાના પાણીનો લાભ આપવામાં આવશે. આ ટાંકી અંદાજિત 45 કરોડના ખર્ચે બનશે, જેનું કામ આગામી બે વર્ષ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. -- જતીન પટેલ (વોટર કમિટી ચેરમેન, AMC)
13 કરોડના વિકાસકાર્ય : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ કામગીરી માટે કુલ મળીને અંદાજે 13 કરોડ જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ઝોનના રામોલ ગામમાં ચુનારવાસ, ઇસનપુરમાં ડાયજની ડ્રેનેજ તથા સ્ટ્રોંગ વોટર લાઈન અને વસ્ત્રાલમાં ડ્રેનેજ નેટવર્ક સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. ઉપરાંત કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત બે અંતર્ગત સ્ટેટ વોટર કનેક્શન પ્લાન, વસ્ત્રાલ વોર્ડના ડ્રેનેજ નેટવર્કને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચોમાસા દરમિયાન જુદી જુદી જગ્યા પરની ડ્રેનેજ લાઈન તેમજ લાઈનમાં પડતા બ્રેકડાઉન રીપેરીંગ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.