અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથજીની 146મી રથયાત્રાને આડે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. તેવામાં ભગવાનના ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષમાં એક વાર અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતે નગરચર્યાએ નીકળે છે અને તેઓના દર્શન કરવા માટે લાખો લોકો એકઠા થતા હોય છે. રથયાત્રામાં જોડાનાર ભક્તોને દર વર્ષે કઈંક નવું નિહાળવા મળતુ હોય છે તેવામાં આ વર્ષે ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે તે રથ નવા જોવા મળશે.
પુરીના રથ જેવા નવા રથ : દેશની સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે, જેમાં પણ લાખો લોકો જોડાય છે. તેવામાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં આ વખતે તૈયાર થયેલા નવા રથના રંગો પણ પુરીના રથ જેવો કરવામાં આવ્યો છે. રથયાત્રા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, અનેક લોકો જગન્નાથ પુરી જઈ શકતા નથી ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને અમદાવાદમાં જગન્નાથપુરીની રથયાત્રાનો અનુભવ થાય તે માટે આ પ્રયાસ કરાયો છે.
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવા રથ બનાવવામાં આવ્યા છે, વર્ષો પછી નવા રથનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, આ રથની ખાસિયત એ છે કે તેનો રંગ જગન્નાથપુરીના રથ જેવો કરવામાં આવ્યો છે. જૂના રથ દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે...મહંત દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિરના મહંત)
રંગરોગાનની કામગીરી : 20મી જૂને યોજાનાર 146મી રથયાત્રાની તૈયારીઓ 6 મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે, આ વખતે ભગવાનના રથ 72 વર્ષ પછી બદલવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 1950માં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથ નવા બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને હવે રથમાં રંગરોગાનની કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લાં 4-5 મહિનાઓથી રથ બનાવવા માટે દરરોજ 12 કલાક કામ કરવામાં આવ્યું છે. જૂના રથ કરતા નવા રથમાં નાના નાના ફેરફારો કરવામાં આવ્યાં છે. પિલ્લર અને ધુમ્મટ અને મૂર્તિઓ જેવી બાબતોમાં નાના ફેરફાર કરાયાં છે. નવા રથ 70થી 80 વર્ષ સુધી ચાલી શકે તેવા બનાવવામાં આવ્યાં છે...જયંતીભાઈ મિસ્ત્રી (રથ બનાવનાર)
કેવી છે નવા રથની થીમ : ભગવાનના રથમાં વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના રથની ડિઝાઈન દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર તૈયાર કરાયું છે. બીજો બહેન સુભદ્રાજીનો રથ લાલ અને પીળા રંગ સાથે નવદુર્ગાની થીમ બનાવાયો છે જ્યારે બળભદ્રજીનો રથ અશ્વની થીમ પર બનાવવામાં આવ્યો છે.
ટ્રાયલ લેવાશે : આ વખતે ભગવાનના નવા રથ હોવાથી તેનું ટ્રાયલ પણ કરવામાં આવશે. જેથી રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. આ વખતે ભગવાનના રથમાં કલર સ્પ્રેથી લગાવવામાં આવી રહ્યો છે, જેથી તે લાંબા સમય સુધી ચાલી શકે, દર વર્ષે હાથથી ભગવાનના રથને રંગરોગાન કરવામાં આવે છે પણ સ્પ્રેથી કલર કરવાથી દર વર્ષે કલર લગાવવાની પણ જરૂર નહીં પડે.

નવા રથમાં શું અલગ છે : નવા રથમાં અને જૂના રથમાં લંબાઈ, ઉંચાઈ કે પહોળાઈમાં કોઈ અંતર નથી, પરંતુ નવા રથમાં જે લૂક આપવામાં આવ્યું છે તે મંદિરના સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ આ રથ પણ મંદિરની પ્રતિકૃતિ સમાન છે. જગન્નાથ મંદિરના જે શિખર છે એ પ્રમાણે નવા રથના શિખરનું નિર્માણ કરાયું છે. રથમાં કરાયેલું કોતરણીકામ જૂના રથ મુજબ જ કરવામાં આવ્યું છે. જૂના રથમાં લગાવવામાં આવેલી મૂર્તિઓમાં જે પણ નાની મોટી ખામીઓ હતી તે નવા રથમાં દૂર કરવામાં આવી છે. જૂના રથમાં બાવળના લાકડાંનો પૈડાં બનાવવામાં ઉપયોગ કરાયો હતો, જે ગમે ત્યારે તૂટી જવાનો ભય રહેતો. જોકે નવા રથમાં સીસમના લાકડાંથી પૈડા બનાવવામાં આવ્યા છે. રથની બોડી અને ચેચીઝ વલસાડી સાગના લાકડાથી બન્યું છે. મૂર્તિઓ બર્માટીકમાં બની છે.
શા માટે નવા રથની પડી જરૂર? : રથયાત્રામાં વપરાતા જૂના રથ છેલ્લાં ધણા વર્ષોથી રિપેરીંગ કરીને ચલાવવામાં આવતા હતાં. જૂના રથ ગમે ત્યારે રસ્તામાં તૂટી જાય તેના કરતા નવા રથ બનાવવાનું મંદિર ટ્રસ્ટ કમિટીએ ગત વર્ષે નક્કી કર્યું હતું. છેલ્લાં 6 મહિનાથી ભગવાનના નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથનું તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને માત્ર રંગરોગાન અને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે.
જૂના રથને મ્યુઝિયમમાં મુકાશે : ભગવાનના 72 વર્ષ જૂના રથોને મંદિર પરિસરમાં ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે, મ્યુઝિમમમાં જૂના રથ રાખવાથી મંદિરમાં આવનાર ભક્તો જૂના રથના પણ દર્શન કરી શકશે.