અમદાવાદ : શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ટ્રસ્ટને અલગ અલગ ખેડૂતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલી જમીન બારોબાર વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોય જે અંગે ગુજરાત હાઇકોર્ટમાં PIL વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. જે અંગે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર આયામના કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર ભાવાણીએ માહિતી આપી હતી.
લેન્ડ જેહાદનું પ્રમાણ વધી રહ્યું છે, મંદિરની કેટલીક ગરિમા હોય છે. કેટલાક ખેડૂતોએ મંદિરને જમીન દાનમાં આપી હતી અને જે જમીન ગાયના ઘાસચારા અને ગૌસંવર્ધન માટે આપવામાં આવી હતી. જોકે જગન્નાથ કન્સલ્ટન્સીના નામે તે જમીન ગેરકાયદેસર રીતે ઉસ્માન ગની ઘાંચી નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. - ધર્મેન્દ્ર ભાવાણી (ધર્મ પ્રસાર આયામ કેન્દ્રીય મંત્રી)
જમીન પરત મળે તેવી માંગ : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં વિશ્વ હિન્દુ પરિષદે આ જમીન મંદિર ટ્રસ્ટને પરત મળે તે માટે પ્રયાસ શરૂ કર્યો હતો. આ અંગે અગાઉ ચેરીટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ચેરિટી કમિશનર દ્વારા 2 લાખ 97 ચોરસ મીટર જમીનનો સોદો રદ પણ કર્યો હતો. જમીન લેનાર અને વેચનારે મોટી છેતરપિંડી આચરી છે. વિશ્વ હિન્દુ પરિષદની લડાઈ મંદિર બચાવવા માટેની છે. મંદિર ટ્રસ્ટને મળેલી જમીન સમાજના હિત માટે છે અને જમીન ટ્રસ્ટને પરત મળે તે માંગ કરવામાં આવી છે.
11 કરોડથી વધુની સ્ટેમ્પની ચોરી : મંદિર ટ્રસ્ટને મળેલી જમીન દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી છે. જે બે લાખ 97 ચોરસ મીટર જમીનમાં માત્ર 7 કરોડ 75 લાખ રૂપિયા વ્હાઈટમાં લેવામાં આવ્યા છે અને 11 કરોડથી વધુની સ્ટેમ્પની ચોરી પણ કરવામાં આવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે લોકાયુક્તના દરવાજા પણ ખખડાવ્યા હતા અને બાદમાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જમીનની રજા ચિઠ્ઠી પણ રદ કરી હતી. જોકે હવે આ જમીન મંદિર ટ્રસ્ટને પરત મળે અને જે લોકો આ કૌભાંડમાં સામેલ છે, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરી છે.