અમદાવાદ: નરોડા પોલીસે આ મામલે મિથુન ગણાવા તેના ભાઈ કાજુ ગણાવા અને તેના મિત્ર માજુભાઈ કટારાની ધરપકડ કરી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ અપહરણના ગુનામાં કરી છે. મહત્વનું છે કે, આ ગુનાના મુખ્ય આરોપી મિથુન ગણાવાની પત્ની 26 ફેબ્રુઆરીના રોજ ઘર છોડી ભાગી ગઈ હતી. જે ન મળી આવતા પતિ મિથુનને આ ગુનામાં ભોગ બનનાર ભરત ઝાલા પર શંકા હતી. જેથી 21 જુલાઈના રોજ ભરત ઝાલાનું નરોડા વિસ્તારમાંથી અપહરણ કરી દાહોદ લઈ ગયા હતા. જ્યાંથી પોલીસે ભોગ બનનારનો છુટકારો કરાવી આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI એસ.જે ભાટિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા જ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી દાહોદ ખાતેથી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી યુવકને મુક્ત કરાવવામાં આવ્યો હતો. આ મામલે ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ કરવામાં આવી છે-- એસ.જે ભાટિયા, PI, (નરોડા પોલીસ સ્ટેશન)
નર્સરીમાં સાથે કામ કરતા: નરોડા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં હકીકત સામે આવી કે, મુખ્ય આરોપી મિથુનની પત્ની વર્ષા અને ભરત ઝાલા નર્સરીમાં સાથે કામ કરતા હતા. સાથે જ નવરાત્રી દરમિયાન બે દિવસ તેઓ સાથે ઘર છોડી ભાગી ગયા હતા. જેથી આ વખતે પણ વર્ષા ભરત સાથે ભાગી ગઈ હોવાની શંકા રાખી ભરતનું નરોડાથી રિક્ષામાં અપહરણ કરી, એસટી ગીતામંદિર લઈ જવાયો, ત્યાંથી બસમાં ડાકોર અને પછી ગરબાળા લઈ જવામાં આવ્યો હતો. જોકે પોલીસને ભરત ઝાલાના મોબાઇલના લોકેશનના આધારે સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી છોડાવી લેવામાં આવ્યો અને આ ગુનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસે અપહરણના ગુનામાં બે ભાઈઓ અને મિત્રની ધરપકડ કરી છે. પરંતુ આરોપી મિથુનને તેની પત્નીની કોઈ ભાળ મળી નથી. જેથી પોલીસે હવે આરોપીની પત્નીની શોધખોળ માટે પ્રયાસો શરૂ કર્યા છે.