અમદાવાદ : શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મીઠાખળી ગામમાં એક મકાન ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં JCB ની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં ત્રણ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે એક વ્યક્તિ ભારે ઇજાગ્રસ્ત હોવાથી 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પરિવાર કાટમાળમાં ફસાયો : આ અંગે ચીફ ફાયર ઓફિસરે ETV BHARAT સાથે ટેલિફોનિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફાયર વિભાગને મીઠાખળીમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના અંગે કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જેમાંથી પરિવારમાં રહેતા 3 લોકો સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને કાટમાળ નીચે દટાયેલા હોવાથી JCB મદદ થકી તેને બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મને મકાન પડ્યા સમાચાર 7 વાગે મળ્યા હતા. હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં બચાવ કામગીરી કરવામાં આવી હતી. એક પરિવારના 4 વ્યક્તિ આ મકાનમાં રહેતા હતા. જેમાંથી 3 વ્યક્તિને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ભારે ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.-- અમિત શાહ (ધારાસભ્ય, એલિસબ્રિજ વિધાનસભા)
એક વ્યક્તિનું મોત : તંત્રમાંથી સત્તાવાર માહિતી અનુસાર મીઠાખળીમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં પરિવારમાં રહેતા ચાર વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજાગ્રસ્ત પહોંચી હતી. પરંતુ વિનોદ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઇજાગ્રસ્ત મહિલાનો આક્ષેપ : જોકે, આ ઘટના બાદ ચોકાવનારી વાત સામે આવી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત શિલ્પાબેને જણાવ્યું હતું કે, મકાન ધરાશાયી થયું હતું તેમાં મારા પતિ, દીકરી અને ભાઈ અંદર દબાઈ ગયા હતા. જેમાં મારી દીકરીને પગે મચકોડ આવ્યો હતો. જ્યારે પતિ તેમજ ભાઈને નાની નાની ઇજા પહોંચી હતી. અમે સારવાર અર્થે SVP હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સીટી સ્કેન કરવાના 8,000 રૂપિયાની માંગ્યા હતા. જેને લઈને સારવાર કરી નહીં. પરંતુ પરત અહીંયા આવ્યા હતા.