સંજીવ ભટ્ટના વકીલ તરફે હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી કે, સાક્ષીઓને હાઈકોર્ટ દ્વારા બોલાવવામાં આવે જેથી કરીને તેમની ઉલટ તપાસ કરવામાં આવી શકે. જોકે આ મમાલે સરકારી વકીલે દલીલ કરી કે આરોપીને પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. જેથી 40 જેટલા સાક્ષીઓને બોલાવવાની જરૂર લાગતી નથી. હાઈકોર્ટે આ મામલે બંને પક્ષ તરફથી રજુઆત સાંભળી હતી.
1990માં થયેલા કસ્ટોડીયલ ડેથ કેસમાં સરકાર દ્વારા મહત્વના સાક્ષીઓને જ તપાસવામાં નહી આવ્યા હોવા અંગે સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં રિટ કરી હતી . જેમાં પોલીસ અધિકારી ટી.એસ.બીસ્ટ, પી.પી. પાંડે અને એ.કે. સિંઘની પણ સાક્ષી તરીકે જુબાની લેવામાં આવવી જોઇએ તેવી માગ કરી હતી..
આ કેસની વિગત પ્રમાણે, જામનગર નજીક જામજોઘપુર ખાતે 1990માં તોફાનો ફાટી નિકળ્યા હતા. જે તોફાનોના કેસમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણવી સહિત 134 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વૈષ્ણવીને ખેંચ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. જોકે તેને જામીન પર મુક્ત કર્યાના 10 દિવસ બાદ વૈષ્ણવીનું મોત થયું હતું. જે અંગે પોલીસ દ્વારા કરાયેલા અત્યાચારને કારણે તેનું મોત નિપજ્યું હોવાની રજૂઆત કરાઇ હતી. જે કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરી જામનગર કોર્ટમાં આરોપી તરીકે પુર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસની ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર દ્વારા મહત્વના પોલીસ સાક્ષીઓની જ તપાસ નહી કરતા કેસને ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત સાથે સંજીવ ભટ્ટે એડવોકેટ પાર્થીવ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે કેસમાં રજૂઆત કરાઇ હતી કે, તે સમયે સંજીવ ભટ્ટના ઉપરી અધિકારી તરીકે ટી.એસ. બીસ્ટ, પી.પી. પાંડે અને એ.કે.સિંઘ પણ હતા. તેમને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવવા જોઇએ. વૈષ્ણવીનું મૃત્યુ કિડની ફેલ થવાને કારણે થયું હતું, અત્યાચારને કારણે નહી તેવો મત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના નિષ્ણાંત તબીબે પણ કોર્ટ સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
સરકાર દ્વારા 300માંથી 32 જેટલા સાક્ષીઓને જ તપાસ કરવામાં આવી છે. જ્યારે વૈષ્ણવીની ધરપકડથી લઇને અન્ય પ્રક્રિયામાં સામેલ મહત્વના પોલીસ જવાનોની પણ જુબાની લેવામાં આવી નથી. ત્યારે આ તબક્કે કેસમાં જો તેમની જુબાની લેવામાં ન આવે તો ન્યાય મળી શકે તેમ નથી. જેથી સેશન્સ કોર્ટને આદેશ આપી મહત્વના સાક્ષીઓની જુબાની લેવા દાદ માગવામાં આવી છે.