અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં બોગસ પત્રકારોનો ત્રાસ સતત યથાવત જોવા મળ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી 5 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા બે નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપતા અને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે આ મામલે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે નિકોલ પોલીસે કેતન વાણંદ અને અંકિત જોતંગિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને વેપારીનો તોડ કરવા પહોંચ્યા હતા, પરંતુ ફેક્ટરી માલિકે સજાગતા દાખવીને પોલીસને જાણ કરતા બંનેને જેલમાં જવાનો વારો આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો : કઠવાડા GIDCમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં 5 લાખનો તોડ કરવા માટે આરોપીઓ ગયા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝનો એડિટર બન્યો હતો, જ્યારે ભાવિન પટેલ લોક પત્રિકા ન્યુઝનો પત્રકાર અને તેઓની સાથે અંકિત જોટંગીયા અને નિકુંજ પ્રજાપતિ કેમેરામેન બનીને પહોંચ્યા હતા. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વેપારી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં આવતી હોય જે અંગે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરીને તેઓની ફેક્ટરી બંધ કરાવી દેશે તે પ્રકારની ધમકી આપી આરોપીઓએ ફેક્ટરીના માલિક પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ દર મહિને 25 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime : પોલીસ અને પત્રકારના નામે સ્પામાં રૂપિયા ઉઘરાવતા 3 ઠગબાજો ઝડપાયા
બે નકલી પત્રકારોની ધરપકડ : આ અંગે પ્લાસ્ટિકના વેપારીએ સજાગતા દાખવીને નિકોલ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસે ગુનામાં સામેલ બે નકલી પત્રકારોની ધરપકડ કરી છે અને ફરાર ભાવિન પટેલ અને નિકુંજ પ્રજાપતિની શોધખોળ શરૂ કરી છે. જ્યારે પકડાયેલા પત્રકારોએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ETV ભારતના પત્રકાર નિવેદિતા સૂરજના પોતાના ઘરે અંતિમ સંસ્કાર થયા
પોલીસની આગળની તપાસ કડક : મહત્વનું છે કે, આ મામલે પકડાયેલા બોગસ પત્રકારો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારે ધમકીઓ આપી પૈસા પડાવવા અંગે ફરિયાદ નોંધાતા આરોપીઓ દ્વારા અત્યાર સુધી કેટલા વ્યાપારીઓને ધમકીઓ આપીને તેઓની પાસેથી ખંડણી લેવામાં આવી છે. આ બોગસ પત્રકારોની ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે જણાવ્યું હતું કે, વેપારીની ફરિયાદના આધારે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને તેઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.