અમદાવાદ: સામાન્ય રીતે લોકોના મનમાં એવી છાપ હોય છે કે, અધિકારીઓ પોતાના ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. આ માન્યતાની વિરુદ્ધ અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ 28 ઓગષ્ટના રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત પાછળનો હેતુ લોકોને સ્પર્શતી બાબતો માટે લોકો જ્યારે પણ સરકારી કચેરીઓની મુલાકાત લે છે, ત્યારે લોકોને નિયત સમયમર્યાદામાં સમસ્યાઓના ઉકેલ મળે હતો. કલેક્ટરે પોલિટેકનીક, આંબાવાડી ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી, નારોલ અને દસ્ક્રોઇ તાલુકાના મહેસુલ ભવનની રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓ સાથે વાત કરી હતી.
કલેક્ટરે તેમને વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે કચેરીઓમાં લોકો માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી હતી. તેમજ રોજબરોજના કામમાં પડતી મુશ્કેલીઓ જાણીને તેનો વ્યવહારૂ ઉકેલ કેવી રીતે લાવી શકાય, તે માટે અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરે તેમની આ મુલાકાતમાં રેકોર્ડ રૂમની વ્યવસ્થા પણ ચકાસી હતી. આ મુલાકાત દરમિયાન જે તે કચેરીના વરિષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.