અમદાવાદ : વિશ્વમાં સતત ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીમાં વધારો થયો છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાલમાં સાયબર ક્રાઈમ અમદાવાદ દ્વારા કોલ સેન્ટરથી લોન માટેના કોલ અને ન્યૂડ કોલમાં મુખ્ય સર્વરને ક્રેશ કરવાની કામગીરી કરી છે. જે સર્વર સાથે સંકળાયેલ અનેક કોલ સેન્ટર આપોઆપ સમગ્ર દેશમાં બંધ થાય હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર સેલ તરફથી મળી રહી છે.
સાયબર ક્રાઈમ : અમદાવાદ સાયબર સેલના ACP જે.એન. યાદવે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદના એક ફરિયાદીએ 16 જાન્યુઆરી 2023 ના રોજ ટોપલોન નામની મોબાઇલ એપ્લિકેશનથી 3000 રૂપિયાની લોન લીધી હતી. ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશનમાંથી પણ લોન લીધી હતી. ત્યારે આ ડેટાનો ઉપયોગ કરીને સૌથી પહેલા આરોપીઓ દ્વારા તેઓને વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોન આપવા સમયે વેરિફિકેશન દરમિયાન જે ફોટો પાડ્યો હતો તે ફોટાનો જ ઉપયોગ કરીને ન્યુડ ફોટો બનાવ્યો હતો. આ ફોટો સગા સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીમાં મુખ્ય સર્વર : સાયબર સેલના ACP જે.એન. યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે સતત 3 મહિના સુધી એક જ કેસ પર કામ કરવામાં આવ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા દિલ્હીથી ન્યૂડ કોલ અને લોન બાબતના કોલ કરવામાં આવે છે તેવું જાણવા મળ્યું હતું. ત્યારે સાયબર પોલીસની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાં એક સર્વર મળ્યું હતું. તેમાં જે લોકોએ લોન લીધી હોય અને પરત ન કરી હોત તેવા નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા.
દિલ્હીના નોયડામાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આ સમગ્ર કૌભાંડનું સર્વર રાખવામાં આવ્યું હતું. જેમાં સર્વરની દેખરેખ માટે 2 લાખના પગારે ગૌરવસિંહને રાખવામાં આવ્યો હતો. જ્યારે પૂનામાં વિજય કુંભારને એક સર્વરના દેખરેખ માટેની જવાબદારી આપવામાં આવી હતી. બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામા આવી છે. -- જે.એન.યાદવ (ACP, સાયબર સેલ-અમદાવાદ)
ચાઈના કનેક્શન : દિલ્હીથી પકડવામાં આવેલ સર્વરમાંથી 50 TB જેટલો ડેટા ક્રેશ કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં અલગ અલગ શહેરના કોલ સેન્ટર દ્વારા લોન અને ન્યૂડ કોલ કરવામાં આવતા હતા. જેમાં અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા 50 TB જેટલા ડેટાનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, આ કેસમાં મુખ્ય આરોપીઓ ચાઇનમાં રહીને સર્વર ઓપરેટ કરતા હતા. તેઓ ફક્ત સર્વરની સાર સંભાળ અને કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને ઓનલાઈન પગાર ચુકવણી કરતા હતાં. પ્રાથમિક તપાસમાં તમામ IP એડ્રેસ ચાઇનામાંથી નીકળ્યા છે.
બે આરોપી ઝબ્બે : અમદાવાદ સાયબર સેલ દ્વારા સમગ્ર કોભાંડના સર્વરને સાચવીને બેઠેલા એવા મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિજયકુમાર કુંભાર અને ગૌરવસિંહને લોન એપ્લિકેશન નામથી કોલિંગ કરનાર અને નાણાં પડાવનાર આરોપીઓને સર્વર તથા લાઈન પૂરી પાડવાનું કામ કરતા હતા. જ્યારે બંને આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન, લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે. આમ હવે પોલીસ દ્વારા સમગ્ર દેશમાં કઈ કઈ જગ્યા ઉપર કોલ સેન્ટર કાર્યરત હતા અને કેટલા કરોડ રૂપિયાનો પ્લોટ થયું છે. ઉપરાંત કઈ રીતે અને કયા માધ્યમથી તથા કયા એકાઉન્ટમાંથી રુપીયાનો વહીવટ થતો હતો, તે તમામ બાબતની તપાસ શરૂ કરવામાં આવશે.