અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતી હિરલ પરમાર નામની યુવતીએ એક નહીં પરંતુ બે વાર આપધાતનો પ્રયાસ કર્યો છે. ફરિયાદી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પુર્વ પતિ રાજન ઉર્ફે રાજા વેગડા તથા તેનો ભાઈ અક્ષય વેગડા કે જે ખોખરા ભાજપ વોર્ડમાં પ્રમુખ છે, તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો. મોટી વાત તો એ છે કે આરોપી રાજને ફરિયાદીને અંધારામાં રાખીને અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા.
વિશ્વાસઘાતથી પગલું ભર્યું : આરોપી રાજનના બન્ને લગ્ન થકી સંતાન થયા હતાં. આરોપી રાજન સાથે યુવતીએ છૂટાછેડા લીધા હતા. જોકે બાદમાં પણ તેના દ્વારા ત્રાસ આપવાનું ચાલુ હતું અને જે દરમિયાન યુવતીને જાણ થઈ કે તેના પતિ રાજને એક યુવતી સાથે અગાઉથી જ લગ્ન કરેલા છે અને તેના પણ બાળકો છે, જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થતા યુવતીએ આ પગલું ભર્યું છે.
યુવતીની ફરિયાદના આધારે અને મળી આવેલી સુસાઇડ નોટને પગલે ગુનામાં સામેલ બંને આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. રાજન અગાઉ અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાયો છે. હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે...એ. વાય પટેલ(ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ)
પ્રેમ લગ્ન કર્યાં હતાં : હિરલ પરમારે રાજન સાથે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. જોકે રાજને હિરલને અંધારામાં રાખી, અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે માનસિક અને શારીરિક ત્રાસ આપીને આરોપીઓ હિરલને રાજનથી છુટા થઈ જવા દબાણ કરી રહ્યા હતા. મોટી વાત તો એ છે કે રાજન હિરલને ધમકી આવતો કે અગાઉ તે બે મર્ડર કરી ચૂક્યો છે, જેથી વધુ એક મર્ડર કરતા વાર નહી લગાડે. સાથે જ રાજનનો ભાઈ અક્ષય પણ ધમકી આપતો કે તે ભાજપનો પ્રમુખ છે. જેથી કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જેથી પરણિતાએ અંતિમ પગલું લેવાની ફરજ પડી. જે બાબતનો ફરિયાદી યુવતીએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : આરોપી રાજન અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતો. જેની વિરૂદ્ધ રાધનપુર અને શખેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ દાખલ થઈ ચૂકેલ છે, જ્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાઈ થઈ ચૂકી છે. પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.