અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસે ને દિવસે વધતુ જાય છે તે પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રથી અમદાવાદ 37 લાખનું ડ્રગ્સ લઈને આવેલા 3 આરોપીઓ હાલમાં જ ઝડપાયા છે, ત્યાં એસઓજી ક્રાઈમે નાના ચિલોડા વિસ્તારમાંથી એક રીક્ષામાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવેલી એક ભણેલીગણેલી યુવતી સહિતના 4 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓની તપાસ કરતા તેઓ ઘણા સમયથી નશાના કારોબારમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
ચાર આરોપીની ધરપકડ : અમદાવાદ શહેર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નાના ચિલોડા પાસે આવેલા શિખર એવન્યુ પાસે એક રાત્રીના સમયે રીક્ષામાં અમુક શખ્સો ડ્રગ્સની ડિલીવરી કરવા માટે આવ્યા છે અને ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે. જેથી એસઓજીની ટીમે સ્થળ પર તપાસ કરીને રીક્ષામાં સવાર યુવતી સહિત 4 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં સરખેજના કાઝીમઅલી ઉર્ફે વસીમ સૈયદ, સબ્બીરમિયાં ઉર્ફે જગ્ગો શેખ, ગોમતીપુરનાં નઈમુદ્દીન સૈયદ અને કાળીગામ રાણીપની 31 વર્ષીય વિશાખા મેઘવાલ ઉર્ફે રિવોલ્વર રાની મેઘવાલની ધરપકડ કરી હતી.
આ મામલે ઝડપાયેલા નઈમુદ્દીન શેખના પિતા અલીમુદ્દીન શેખ નાર્કોટિક્સના ગુનામાં છેલ્લાં 10 વર્ષથી જેલમાં હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓ પણ લાંબા સમયથી ડ્રગ્સના ધંધામાં શામેલ છે, વિશાખા કોલેજ સમયથી ડ્રગ્સ પેડલરો સાથે સંપર્કમાં હતી અને પહેલા તેને ડ્રગ્સ એડિક્ટ બનાવવામા આવી અને બાદમાં ડ્રગ્સ ડીલરો તેને ઉપયોગ પેડલર તરીકે કરવા લાગ્યા છે. આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા, કેટલા સમયથી આ કામ સાથે સંકળાયેલા છે, તે તમામ દિશામાં તપાસ માટે આરોપીઓની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામા આવી છે...બી. સી. સોલંકી, (ACP, એસઓજી ક્રાઈમ)
મીરઝાપુરના અઝહર શેખે આપ્યો ડ્રગ્સ જથ્થો : આરોપીઓની તપાસ કરતા તમામ આરોપીઓ પાસેથી નાના નાના પેકેટમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, કુલ મળીને 31 ગ્રામ 640 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓની સામે એસઓજીએ ગુનો દાખલ કરી તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓને આ ડ્રગ્સનો જથ્થો મીરઝાપુર વિસ્તારના અઝહર શેખે આપ્યો હતો. અઝહર શેખ પાસેથી નઈમુદ્દીન સૈયદ મારફતે આ ડ્રગ્સ મંગાવતા અને તેને છુટકમાં વેચાણ કરતા હતા.
કોણ છે રિવોલ્વર રાની : આ મામલે ઝડપાયેલી વિશાખા મેઘવાલ ઉર્ફે રિવોલ્વર રાની વિરુધ્ધમાં ગત ફેબ્રુઆરી મહિનામાં એક મેઈલ મારફતે તેના જ સંબધીએ એસઓજીને માહિતી આપી હતી, કે વિશાખા મેધવાલ પોતે ડ્રગ્સ એડિક્ટ છે અને પેડલર પણ છે અને એક વર્ના ગાડી રાખી મયુદ્દીન નામના શખ્સ સાથે ડ્રગ્સનો ધંધો કરે છે. જેથી આ બાબતે એસઓજીએ સતત વોચ રાખી હતી. અગાઉ ચાંદખેડામાં નાર્કોટિક્સનો કેસ થયો હતો, જેમાં પણ આ વિશાખાનું નામ એસઓજીને મળ્યુ હતુ. 4 વર્ષ પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં રિવોલ્વર સાથેનો ફોટો મુકયો હતો જે બાદથી તેને તેના મિત્રો રિવોલ્વર રાની તરીકે ઓળખતા હોવાનું પણ તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે.
પહેલાં ડ્રગ્સ એડિક્ટ બની પછી પેડલર : આરોપી વિશાખા મેઘવાલ મૂળ રાજસ્થાનની છે અને કાળીગામમાં પિતા સાથે રહે છે, તેણે બી.એ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. તે છેલ્લાં 4 વર્ષથી આ ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાઈ હોવાની કબૂલાત કરી છે. કોલેજ સમયથી તે નાર્કોટિક્સના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ સાથે સંપર્ક હોવાનું ખુલ્યું છે. પહેલા તે પોતે ડ્રગ્સ એડિક્ટ બની અને બાદમાં ડ્રગ્સનો ખર્ચો કાઢવા પોતે પેડલર બની હોવાની હકીકત તેણે એસઓજી સમક્ષ કબૂલી છે.