અમદાવાદ : શહેરમાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. જેમાં 47 વર્ષીય યુવકને સરનામું પૂછવાના બહાને લૂંટી લેવામાં આવ્યો છે. આ યુવકને સુગંધિત પ્રવાહી સુંઘાડી સોનાની વીંટી અને 18,000 રોકડ રકમ લઈને આરોપી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાઇ હતી. જોકે, પોલીસે પણ ઉમદા કામગીરી દાખવી આરોપીઓની ધરપકડ કરી છે.
દિલ્હીના વ્યક્તિને લૂંટ્યો : દિલ્હીના પ્રીતમપુરામાં રહેતા મુકેશ કુકરેતી ઓબીટી ટેક્સટાઈલ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં માર્કેટિંગ મેનેજર તરીકે 10 વર્ષથી નોકરી કરે છે. ગુજરાતમાં માર્કેટિંગને લગતું કામકાજ હોવાથી અવારનવાર અમદાવાદ આવવાનું થતું હોય છે. 20 જૂન 2023 ના રોજ તેઓ માર્કેટિંગના કામથી અમદાવાદ આવ્યા હતા. તેઓ નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાછળ આવેલ હોટલ ઓફિસ ખાતે રોકાયા હતા.
વહેલી સવારનો બનાવ : બીજા દિવસે 21 જૂન 2023 ના રોજ ટ્રેનથી વડોદરા જવાનું હોવાથી હોટલથી ચાલતા-ચાલતા મેટ્રો સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. તે વખતે સવારના 7:30 વાગે નારણપુરા ઇન્કમટેક્સ અન્ડરબ્રિજ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્ટેડિયમ પાંચ રસ્તા તરફથી એક સફેદ કલરની ગાડી આવી હતી. જે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ સરનામું પૂછવાના બહાને તેનો હાથ તેઓના હાથ પર મૂક્યો હતો.
આ ગુનામાં સામેલ બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ખેડામાં રહે છે. તેઓએ બોડકદેવમાં પણ લૂંટ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ આરોપીઓની વધુ તપાસ ચાલુ છે.-- સી.જી જોશી (ઇન્ચાર્જ PI, નારણપુરા પોલીસ સ્ટેશન)
બેહોશ કરી લૂંટ : કારમાં સવાર આરોપીઓએ જણાવ્યું હતું કે, તમારા હાથમાંથી બહુ જ સારી સુગંધ આવે છે. તેમ કહેતા તેઓએ પોતાનો હાથ સુંઘતા તરત જ બેભાન જેવા થઈ ગયા હતા. થોડીવારે તેઓ ભાનમાં આવતા ફરીયાદીને ગાડી આસપાસ દેખાઈ ન હતી. તેઓના હાથમાં આંગળીમાં પહેરેલી આઠ ગ્રામ વજનની સોનાની વીંટી તેમજ પેન્ટના ખિસ્સામાં રોકડ રકમ 18000 ગાયબ હતી. આથી કારમાં આવેલા વ્યક્તિઓ લૂંટ કરીને નાસી ગયા હોવાની જાણ થઈ હતી.
આરોપી ઝડપાયા : જોકે, બાદમાં તેઓને દિલ્હી જવાનું હોવાથી દિલ્હી જતા રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાં ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ તેઓએ આ મામલે 25 જુલાઈના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ કરી ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ખેડાના ગોવિંદનાથ બિચ્છુનાથ મદારી તેમજ પ્રકાશ બિચ્છુનાથ મદારીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે નારણપુરા લૂંટમાં ગયેલી સોનાની વીંટી કબ્જે કરી છે. પકડાયેલા આરોપીઓ આ પ્રકારે બોડકદેવ વિસ્તારમાંથી પણ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. આમ બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.