અમદાવાદઃ માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના એવી છે કે 3 મહિના અગાઉ ફરિયાદીની પત્નિ ભાવનાબેનને ઠાકોરવાસમાં રહેતા દશરથ ઉર્ફે કાળુ ડાભી ઠાકોર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ચાર યુવકોએ કૃણાલ ઠાકોરની કરપીણ હત્યા કરી હતી.
ગોઝારો દિવસઃ 15મી ઓગસ્ટના રોજ કૃણાલ ઠાકોરના પિતા દિલીપભાઈ ઠાકોર માધવપુરા ચોકમાં મિત્રો તેમજ 17 વર્ષીય દિકરા ક્રિષ્ના સાથે બેઠા હતા. તે સમયે તેમના ઘર પાસે રહેતા કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર તેમજ રાજ ઠાકોર નામના 4 યુવકો તેઓની પાસે આવ્યા હતા. ઝઘડાની અદાવત રાખીને રાજ ઠાકોર તેના મિત્રો સાથે ત્યાં આવી ગાળો આપતો હતો. ફરિયાદીની પત્નિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જવા લાગ્યા, આ ઘટનાની જાણ તેમના મોટા દિકરા કૃણાલ ઠાકોરને થતા તે બુલેટ લઈને માધવપુરા પોલીસ સ્ટેશન તરફ જતો હતો.
હત્યાનો ઘટનાક્રમઃ કૃણાલ ઠાકોર જ્યારે માધવપુરા દિલ્હી દરવાજા વિશ્રામ ગૃહ પાસેથી નીકળ્યો ત્યારે કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર તેમજ રાજ ઠાકોરે તેને છરીના ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી. કૃણાલને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તબીબે કૃણાલ ઠાકોરને મૃત જાહેર કર્યો હતો.આ સમગ્ર મામલે માધવપુરા પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ બસમાં બેસીને મુંબઈ ફરાર થઈ ગયા હતા. જોકે અહીંયા તંગદિલી ભર્યું વાતાવરણ હોય તેઓને પરિવારની ચિંતા તથા તમામ અમદાવાદ પરત કર્યા હતા. આરોપીઓને હાથીજણ સર્કલ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે...ડી.વી રાણા (એસ.પી., એલ ડિવિઝન)
પોલીસે ગોઠવ્યો બંદોબસ્તઃ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને માધવપુરા માર્કેટના વેપારીઓએ પણ બંધ પાળ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે અંતે ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપી લેવાયા છે.