અમદાવાદ : લંડનની યુનિવર્સિટીના એડમીશન લેટર બનાવી રૂપિયા પડાવી લેનાર ટોળકીના ત્રણ આરોપીઓની ગણતરીના દિવસોમાં બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ત્રણમાંથી નિખિલ બાજરીયાની અમદાવાદ ખાતેથી અને દર્શિત રૈયાણી તથા વ્રજ ઉર્ફે વિરાજ નામના બંને આરોપીઓને સુરતના વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. ગત 4 સપ્ટેમ્બરના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં 11.52 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા અનેક લોકોના નામ ખુલ્યા હતા. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ કૌભાંડમાં હજુ વધુ આરોપીઓની સંડોવણી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.
એડમિશનના નામે ઠગાઈ : બનાવની મળતી વિગત અનુસાર ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા યુવાને લંડનની કોલેજમાં એડમિશન મેળવવા માટે પોતાના મિત્ર નિખિલ બાજરીયાને વાત કરી હતી. નિખિલે દર્શિત રૈયાણી નામના શખ્સને વાત કરતા દર્શિતે લંડનની કોલેજમાં ફી ભરી દીધી હોવાનો બનાવટી લેટર આપીને રૂપિયા 11.52 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે બાપુનગર પોલીસની ટીમે સૌ પ્રથમ નિખિલ બાજરીયાની ધરપકડ કરી હતી. તેની સઘન પૂછપરછમાં સામે આવ્યું કે, દર્શિત રૈયાણી તથા વ્રજ ઉર્ફે વિરાજ નામનો શખ્સ સુરતના વરાછામાં રહે છે. જેથી પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી નિખિલ બાજરીયાને હાલ જેલ હવાલે કર્યો છે.
આ મામલે હાલ 3 શખ્સોને ઝડપી રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરાઈ છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને રિસીપ્ટ કોણે અને કેવી રીતે બનાવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. -- આર.ડી. ઓઝા (ACP, એચ ડિવિઝન અમદાવાદ)
ત્રણ આરોપી ઝબ્બે : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણમાંથી બે આરોપીઓ દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજ સમગ્ર છેતરપીંડીના ગુનામાં માસ્ટર માઈન્ડ છે. આ બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હોય તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હતા. ઉપરાંત આરોપીઓ જે તે યુનિવર્સિટીના ખોટા એડમિશન લેટર તથા ફી ભર્યા હોવાની બનાવટી રીસીપ્ટ બનાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હતા.
પોલીસ તપાસ : આ કૌભાંડમાં દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજ મુખ્ય આરોપી છે. જ્યારે મૂળ અમદાવાદનો નિખિલ બાજરીયા એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અને નિખિલ વિદ્યાર્થી શોધી લાવી બંને આરોપીઓને લીડ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ એડમિશન લેટર કેવી રીતે અને ક્યાં બનાવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.