અમદાવાદ: જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી છેતરપીંડીની ઘટનામાં પોલીસે ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટની કુરિયર પેઢીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો ઈસમ પેઢીનો સોના ચાંદીનો માલ તેમજ રોકડ રકમ 60 લાખથી વધુ લઈને રફુચક્કર થઈ જતા આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અંતે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
વેપારીએ ફરિયાદ નોંધાવી હતી: આ ઘટના અંગે રાજકોટમાં રહેતા ધીરુભાઈ નડિયાપરા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે એમ.કે ઓર્નામેન્ટ નામની સોના ચાંદીની દુકાન ધરાવીને બજારમાંથી સોના ચાંદીના દાગીના વેચાણ લઈ રાજકોટ તેમજ અન્ય જગ્યાએ તેનો વેપાર કરે છે, તેમજ તેઓની મહાકાળી જ્વેલર્સ નામની સોના ચાંદીની બીજી એક દુકાન યુપીમાં આગ્રા ખાતે પણ છે. પાંચમી મેના રોજ તેઓની કાર લઈને તેઓના ત્યાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતા સુનિલ ત્રિવેદી અને સરફરાજ મોગલ સોના ચાંદીના દાગીનાના પાર્સલો લઈને આગ્રા જવા માટે નીકળ્યા હતા અને બીજા દિવસે આગ્રા ખાતે દુકાને પહોંચીને સોના ચાંદીના દાગીના રામ પ્રકાશ કુશવાહને આપ્યા હતા.
સુનિલ ત્રિવેદીનો ફોન બંધ આવે છે: ત્યાંથી ડ્રાઈવર કુલ 49 લાખ રોકડ તેમજ અન્ય સોના ચાંદીની વસ્તુઓ લઈને રાજકોટ આવવા નીકળ્યો હતો, જે બાદ સાતમી મેના રોજ સાંજના સમયે સરફરાજ મુગલને વેપારીએ ફોન કરતા તેણે જણાવ્યું હતું કે સુનિલ ત્રિવેદીનો ફોન બંધ આવે છે. તે આગ્રાથી રાજકોટ આવતા હતા, તે વખતે હિંમતનગર આસપાસ એક હોટલ પાસે સુનિલ ત્રિવેદીએ ગાડી ઉભી રાખીને રોકડ રકમ અને દાગીનાના પાર્સલો બગોદરામાં એક હોટલ ખાતે આપવાના છે, તેમ કહીને કારમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. જે બાદ આ મામલે વિશ્વાસઘાતની ફરિયાદ બગોદરા પોલીસ મથકે નોંધાઈ હતી.
રાજકોટના બે શખ્સોની ધરપકડ: આ મામલે બગોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી અને તેના આધારે ગુનો આચારનાર કુરિયરના ડ્રાઇવર સહિત બે ઇસમોને પકડી પાડી 39.51 લાખ રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત 51.25 લાખનો મુદ્દા માલ રિકવર કર્યો છે. આ મામલે પોલીસે ગુનામાં સામેલ સુનિલ નટવરલાલ ત્રિવેદી તેમજ જોગેન ત્રિવેદી નામના ભાવનગર અને રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બાબતે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન રોકડ ચાંદીના અને સોનાના ઘરેણા અને અન્ય ચીજ વસ્તુઓ મળીને 51 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે ધોળકા ડિવિઝનના ઇન્ચાર્જ DYSP ભાસ્કર વ્યાસે જણાવ્યું હતું કે આ અંગે બગોદરા પોલીસે ગુનો દાખલ થતા જ અલગ અલગ ટીમો કામે લગાડી ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપી લીધા છે, આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ બગોદરા પોલીસે શરૂ કરી છે.