અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ચાના વેપારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ બોગસ આંગડિયા પેઢી ખોલીને વેપારીને વોટ્સએપ કોલ કરી બે કરોડ રૂપિયાના નવરંગપુરાની ઓફિસમાં આરટીજીએસના જમા કરાવવા કહ્યું હતું. જેની સામે પાંચ કરોડ રૂપિયા ટ્રેડ ફંડ આપવાનો વિશ્વાસ અપાવી પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ મામલે વેપારીએ સજાગતા દાખવતા તેઓ ઠગાઈનો ભોગ બનતા બચી ગયા છે. આ મામલે નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ મુખ્ય આરોપી ફરાર હોવાથી તેની તપાસ ચાલુ છે.
ચાના વેપારીની ફરિયાદ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા સૌમિલ દાસ નામના 36 વર્ષીય વેપારી નરોડા જીઆઇડીસીમાં રવિ એન્ટરપ્રાઇઝ નામથી ચાનો વેપાર કરે છે. 26 જુલાઈ 2023 ના રોજ તેઓ ફેક્ટરીમાં હતા. તે વખતે સાંજના સમયે અજાણ્યા મોબાઈલ પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ જીતેન્દ્ર તરીકે આપી હતી. તેણે વેપારીને ક્રિશિવ ટી પ્રાઇવેટ લિમિટેડમાંથી બોલો છો તેવું જણાવતા વેપારીએ હા પાડી હતી. આરોપીએ પોતે એમસીએ સાઈટ ઉપર કંપનીની પ્રોફાઈલ જોઈ તેઓનું વાર્ષિક જીએસટી ટર્નઓવર સાડા પાંચ કરોડ હોવાનું જણાવ્યું હતું. જેથી તમારે ટ્રેડ ફંડ જોઈતું હોય તો તમારી કંપનીના કેવાયસી, માસ્ટર ડેટા, પીડીએફ કરી મોકલી આપો તેવું જણાવતા વેપારી વિશ્વાસમાં આવ્યો હતો.
વોટ્સએપ કોલનો ઉપયોગ : 27 જુલાઈ 2023 ના રોજ વેપારીએ કંપનીના તમામ ડોક્યુમેન્ટ પીડીએફ કરીને તે વ્યક્તિને મોકલી આપ્યા હતા. જેમાં પાનકાર્ડ, સીન નંબર, બે વર્ષના ઓડિટ રિપોર્ટ્સ, બેલેન્સશીટ, કંપનીની પ્રોફાઈલ અને કંપનીનો બેંકનો કેન્સલ ચેક જેવા ડોક્યુમેન્ટ સામેલ હતા. બે કલાક બાદ ફરીથી તે વ્યક્તિએ વેપારીને ફોન કરીને કહ્યું હતું કે, તમારું ટ્રેડ ફંડ પાસ ગયું છે. જો તમારી પાસે બે કરોડ રૂપિયા રોકડા પડ્યા હોય તો આજની તારીખ લખી તેનો વિડીયો મોકલો. જેથી આ બાબતે વેપારીને શંકા જતા તેઓએ યુ ટ્યુબમાંથી પૈસાનો વિડિઓ ક્રોપ કરી તે વ્યક્તિને મોકલ્યો હતો.
કંપનીના ડોક્યુમેન્ટ મંગાવ્યા : ત્યારબાદ 29 જુલાઈના રોજ ફરીવાર તે વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, તમને એક કંપનીના ડોક્યુમેન્ટ મોકલું છું. તમે ત્યાં કંપની વેરીફાઇ કર્યા બાદ મારા આપેલ સરનામે પહોંચીને વોટ્સએપ કોલ કરજો, મારો માણસ આવી તમને લઈ જશે. બાદમાં તેણે અતુલ શાહ એન્ડ કંપનીનું કાર્ડ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું. જેમાં ઓફિસનું સરનામું મીઠાખળી વિસ્તારમાં લખેલું હોવાથી વેપારી તેઓના મેનેજર અનિલભાઈ ઠાકોર તેમજ સીએ પૂર્વેશ શાહની સાથે મીઠાખળીની આંગડિયા પેઢીની ઓફિસે ગયા હતા. ત્યાં વોટ્સએપ કોલ કરતા દિનેશ બાબુલાલ રાવલ નામના માણસ તેઓને લેવા માટે આવ્યો હતો અને તેની સાથે ઓફિસે લઈ ગયો હતો.
આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી ખોટું નામ ધારણ કરીને આંગડિયા પેઢીમાં હાજર હતો. જોકે, આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી પણ ફરાર છે. તેને પકડવા માટે ટીમ કામે લગાડવામાં આવી છે. વેપારીઓને અમારી વિનંતી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિને વેરીફાઈ કર્યા વિના તેના સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવો. અગાઉ પણ નવરંગપુરા વિસ્તારમાં આ જ પ્રકારે છેતરપિંડી થઈ હતી. આ આરોપી તે ગુનામાં સામેલ છે તે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.-- હરીશકુમાર કણસાગરા (ACP, બી ડિવિઝન- અમદાવાદ)
આંગડિયા પેઢી : આ ઓફીસમાં અતુલ નામની વ્યક્તિને કોલ કરી વેપારી સાથે વાત કરી હતી. અતુલે વેપારીને જણાવ્યું હતું કે, કંપની જેન્યુન છે અને મેન્ડેડ પર્સન તમારી રાહ જોઈ જતો રહ્યો છે. જેથી તમે આવતીકાલે આવજો અને અમે તમને વેલકમ લેટર મોકલી આપીશું. આથી વેપારી પરત જતા રહ્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ વેપારીની કંપનીના ઇમેલ આઇડી ઉપર EISEN PHARMACEUTICAL CO. PVT LTD ફાર્મા કંપનીનો ઇમેલ આવ્યો હતો. તેમાં કંપનીનો વેલકમ લેટર હતો. જેથી તે વેલકમ લેટર તેઓએ પોતાના સી.એ પુર્વેશભાઈને મેઈલ કર્યો હતો.
આરોપીનો ભાંડો ફૂટ્યો : વેપારી તેમજ અનિલ ઠાકોર આંગડિયા પેઢી અતુલ એન્ડ કંપની મીઠાખળી ખાતે આવવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓના સી.એ પૂર્વેશ શાહનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જે વેલકમ લેટર મોકલેલ છે તે ખોટો છે અને કંપનીનું ઈમેલ આઇડી પણ ખોટું છે. જેથી તેઓએ ફાર્મા કંપનીના ઓનલાઇન કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. ત્યાં હાજર સ્ટાફ સાથે ફોન પર વાત થતા તેઓની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓને જાણ થઈ હતી કે, તે કંપની ફાર્માસ્યુટિકલ છે અને ચાનુ કોઈ કામકાજ હોતું નથી. વેપારીને મોકલવામાં આવેલા વેલકમ લેટરમાં કંપનીનો લોગો અને એમડીની સહી કરેલી ક્રોપ કરીને મૂકી હોય તેવી પણ જાણ થઈ હતી. તેમજ મોબાઈલ નંબર પણ ખોટા અને લેટરપેડ કંપનીનો નથી તેવું ધ્યાને આવ્યું હતું.
કરોડોની છેતરપિંડી : વેપારી અતુલ એન્ડ કંપનીની આંગડિયા પેઢીએ પહોંચ્યા હતા. અનિલ ઠાકોર નીચે ગાડી પાસે રહ્યા અને વેપારી ઉપર ગયા હતા. આંગડિયા પેઢીમાં દિનેશ રાવલ નામનો વ્યક્તિ હતો. ત્યારે અતુલનો દિનેશ પર ફોન આવ્યો હતો. તેણે બે કરોડ રૂપિયા લઈ આવ્યા છો તેવું પૂછતાં વેપારીએ જ્યાં સુધી કંપનીનો માણસ સામે નહીં આવે ત્યાં સુધી બે કરોડ રૂપિયા લઇ નહીં આવે તેવું કહ્યું હતું. ઠગ આરોપીએ કંપનીનો માણસ નાસ્તો પાણી કરીને આવશે, ત્યાં સુધી તમે બેસો તેવું જણાવ્યું હતું.
ઠગને દબોચ્યો : બાદમાં આરોપીએ વેપારીને ફોન કરીને તમે બે કરોડ રૂપિયા મંગાવી લો કંપની સારી છે અને જવાબદારી મારી છે, તેવું જણાવતા વેપારીએ કોઈ જવાબ આપ્યો નહતો. ત્યારબાદ આંગડિયા પેઢીનો માણસ દિનેશ બાબુલાલ રાવલ પણ ચા પીને આવું છું, તેવું કહીને ભાગવાનો પ્રયાસ કરતો હતો. જેથી વેપારીએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી. તેને પકડીને નવરંગપુરા પોલીસ મથકે લાવીને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે.