અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. શહેર એસઓજી ક્રાઇમએ રામોલ રિંગ રોડ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના એક યુવકની ધરપકડ કરી છે. આ મામલે જાવેદ ઉર્ફે મુન્કિયા અન્સારી નામના 28 વર્ષીય યુવકને ઝડપી ચાર લાખથી વધુની કિંમતનું 40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યુ છે.
અન્ય આરોપી ફરાર : SOG ની ટીમે રામોલ રીંગ રોડ પર ડી-માર્ટની સામે ONGCની દિવાલ પાસેથી ડ્રગ્સ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. જોકે આ ગુનામાં તેની સાથે સામેલ અન્ય એક આરોપી સોહેલ રઝા જે નાગોરનો હોય અને તે ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે એસઓજીએ તપાસ તજવી જ શરૂ કરી છે.
5 હજાર રૂપિયા મળવાના હતા : પકડાયેલા આરોપીને આ ડ્રગ્સ એક વ્યક્તિને ડીલીવરી કરવા માટે 5 હજાર રૂપિયા મળવાના હોવાનું સામે આવ્યું છે અને તે પોતે પણ ડ્રગ્સનો બંધાણી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પકડાયેલો આરોપી સહઆરોપી સાથે બસમાં ડ્રગ્સ લઈને અમદાવાદ ડિલિવરી માટે આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
બાતમીના આધારે ઝડપાયો : આ અંગે SOG ક્રાઈમના ACP બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જોકે તેની સાથે સામેલ મુખ્ય આરોપી પકડવાનો બાકી હોય તેના ઝડપાયા બાદ ડ્રગ્સના નેટવર્ક અંગે વધુ ખુલાસા થશે.
આ પણ વાંચો Ahmedabad Drugs News : 5 લાખના ડ્રગ્સ સાથે બે શખ્સોની SOG એ બોચી દબોચી લીધા
અમદાવાદમાં વધી રહી છે ડ્રગ્સની હેરાફેરી : આપને જણાવીએ કે ગત દિવસોમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ડ્રગ્સ હેરાફેરી મામલે વધુ એક કાર્યવાહી સામે આવી હતી. અમદાવાદના હાથીજણ અસલાલી રિંગ રોડ પાસેથી લાખો રૂપિયાની કિંમતના નશીલા પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આઝમખાન પઠાણ અને કેફખાન પઠાણ નામના બે આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 485 ગ્રામથી વધુના MD ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી આઝમખાન પઠાણ અને કેફ ખાન પઠાણ અગાઉ પણ અમદાવાદમાં ડ્રગનો જથ્થો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવી છે.
25 ફેબ્રુઆરીએ ઝડપાયું હતું આ ડ્ર્ગ્સ : આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ MD ડ્રગ્સ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું છે જેમાં મિશ્રણ કરી આરોપીઓ આઝમ ખાન અને કેફ ખાન મેફેડ્રોનના શુદ્ધ જથ્થામાંથી વધુ ડ્રગ્સનો જથ્થો બનાવતાં હતાં. જેને આરોપીઓ અમદાવાદ શહેરના જુદાજુદા વિસ્તારોમાં છૂટક કિમતે વેચતાં હતાં. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 49 લાખ 58 હજાર જેટલી આંકવામાં આવી હતી છે.