અમદાવાદ : પાકા કામના ફરાર કેદીઓને પકડવાની ડ્રાઇવ અવારનવાર યોજાય છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ફરાર કેદીને પકડવા પ્રયાસ કર્યો હતો જેમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અલ અલગ 23 ગુનામાં પકડાયેલો અને કોર્ટમાંથી આજીવન કેદની સજા પામેલો કેદી ઝડપાયો હતો. પાકા કામનો કેદી 4 મહિનાથી નાસતો ફરતો હતો ત્યારે આ કેદી ભદ્રેશ ઊર્ફે ભુરજી મફાજી ઠાકોરને ફરી પકડી લેવાયો છે.
સાબરમતી જેલ હવાલે કર્યો : વર્ષ 2027માં દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ખુનના ગુનામાં તેની સામે કોર્ટ કેસ ચાલ્યો હતો જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલી છે. આવો પાકા કામનો કૈદી છેલ્લા ચાર માસથી વચગાળાના જામીન મેળવી નાસતો ફરતો હોઇ જે કૈદીને ઝડપી પાડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી જેલ હવાલે કર્યો છે.
નાસતો ફરતો પાકા કામનો કેદી પકડ્યો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરે પેરોલ જમ્પ તેમજ ફર્લો તેમજ વચગાળાના જામીન ઉપર છુટેલ આરોપીઓને પકડી જેલ હવાલે કરવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ.સાલુકે સાથે પો.સ.ઈ એ.કે.પઠાણ તથા પો.સ.ઈ. જે.બી.પરમાર ટીમના માણસો સાથે પેટ્રોલીંગમા હતાં. દરમિયાન ટીમના અ.હે.કો. કિરીટસિંહ તથા અ.પો.કો. ભાવિકસિંહને સોર્સીસ તેમજ બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે સાબરમતી સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી નં.એસ/15880 ભદ્રેશ ઊર્ફે ભુરજી મફાજી ઠાકોર ઉ.વ. 43 રહે. મ.નં. 26/16, મેણવાસના છાપરા, ખુટી મસ્જીદ સામે, દરિયાપુર અમદાવાદ શહેરનાનો છેલ્લા ચારેક માસથી વચગાળાના જામીન મેળવી નાસતો ફરતો ફરે છે. જેને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો.
હત્યાના ગુનામાં આજીવન કેદની સજા : આ કામના કૈદી વિરુદ્ધ સને 2017માં દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ કાર્યવાહી અને કોર્ટમાં થયેલી પેરવીઓ બાદ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
23 ગુના નોંધાયેલા છે : ભદ્રેશ ઊર્ફે ભુરજી મફાજી ઠાકોર નામના આ કેદીના નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 17 દિવસના વચગાળાના જામીન મંજૂર થતા તે તા05/08/2023થી દિન - વચગાળાના જામીન ઉપર બહાર આવેલ હતો. જેને તા.23/08/2023 ના રોજ ફરી જેલ પર હાજર થવાનું હતું. પરંતુ કેદી જેલ પર હાજર ન થઈ આજદિન સુધી નાસતો ફરતો હતો. જેને તા04/01/2024ના રોજ બાતમી આધારે ડિટેઈન કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 19 ગુના નોંધાયેલા છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી પો. સ્ટેશનમાં બે, માઘુપુરા અને અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ એક એક ગુના એમ કુલ 23 ગુના નોંધાયેલા છે.