અમદાવાદઃ જમાલપુર ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે માથાકુટ થઈ હતી. જેના પગલે ગાયકવાડ હવેલી, દાણીલીમડા, કાગડાપીઠ પોલીસ દોડી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ જમાલપુર ચાર રસ્તા સ્થાનિકો અને કિન્નરો વચ્ચે માથાકુટ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગધાભાઇની ચાલી, પિરબાઈ ધોનીની ચાલીમાં રહેતા કિન્નરોનો અને સ્થાનિકો વચ્ચે અગમ્ય કારણોસર માથાકૂટ થઇ હતી.
તોડફોડ કરીઃ આ વિસ્તારના ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કિન્નરોના ઘરમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. વાહનો પણ સળગાવી નાખ્યા હતા. ઘટનાને પગલે લોકો પોલીસ જાણ કરતા પોલીસના ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ અમુક કિન્નરોની અટકાયત કરી હતી. પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લીધા છે.
સ્થાનિકોનો આક્ષેપઃ પીરબાઈ ગોબીની ચાલીમાં રહેતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અસમાજિક પ્રવૃતિઓ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. આ મુદ્દે અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝગડો કરતા હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
લોકો છોડીને ગયાઃ આ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. આ અંગે કાગડાપીઠ પોલીસે સામ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ સલ્લુ આશિયાના દે, અવેજ શેખ, જોયા દે ઉર્ફે બોબડી, ફૈઝલ શેખ, સુલેમાન ઉર્ફે ગાંડો, નરેશ ચૌહાણ, લક્ષ્મી, શીતલ ફૈઝલ, તેમજ સામે પક્ષે કિરણ વાઘેલા, ગંગાભાઈ વાઘેલા, પીન્ટુ ઉર્ફે જાડિયો ચૌહાણ, આદિત દંતાણી, આકાશ ઓડ, જયેશ ઓડ, રોહિત દંતાણી, હિતેશ ઓડ, સાગર ઓડ, હિતેશ ઓડ તેમજ 100 થી 150 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ અધિકારીનું નિવેદનઃ આ અંગે ઝોન 6 DCP અશોક મુનીયાએ જણાવ્યું હતું કે, કિન્નર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થિતિને કાબુમાં લઈ ત્રણ જેટલા કિન્નરોની અટકાયત કરવામાં આવી છે. આગળ હાલ કાર્યવાહી ચાલી રહી છે.