અમદાવાદ : અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સના નામની ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરાઈ છે. જે આરોપી પોતાની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરાની સાથે રહે છે અને અલગ અલગ શહેરોમાં ફરી યુવકો શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપે છે. આ ત્રિપુટી દ્વારા લૂંટનો એક બનાવ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો હતો.
આ મામલે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ ભેગા મળી આ સિવાય કેટલા લોકોને આ રીતે ફસાવી પૈસા પડાવ્યા છે, તેમજ કેટલા સમયથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતાં તે દિશામાં તપાસ ચાલુ છે અને એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે...એસ. ડી. પટેલ( ACP, એમ ડિવિઝન)
રુપિયા અને લેપટોપ પડાવ્યું : આ અંગે પોલીસે આપેલી વધુ માહિતી સૂત્રોની માહિતી પ્રમાણે દિલ્હીથી આવેલા એન્જિનિયર યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે મીરા નામની ટ્રાન્સજેન્ડરે તેનો સંપર્ક કર્યો અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં બંનેએ ભેગા મળી દિલ્હીના અમીન ભારદ્વાજ નામના એન્જિનિયર યુવક સાથે 9 હજારની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું. જે હકીકત મળતા પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર છે.
સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા : એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધી ટ્રાન્સજેન્ડર સનાની ધરપકડ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલ આરોપી અને તેની મિત્ર અલગ અલગ શહેરોમા ફરતા અને ડેટિંગ એપ્લિકેશન થકી યુવકોનો સંપર્ક કરતા હતા. સાથે જ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા. જોકે બદનામીના ડરે યુવકો ફરિયાદ ન કરતા જેથી આરોપીઓને મોકળુ મેદાન મળતું હતું. ઝડપાયેલ ટ્રાન્સજેન્ડર સનાના મોબાઈલની તપાસ કરતા બંને ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ સંખ્યાબંધ લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે. પોલીસ પૂછપરછમાં બંને ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારની રહેવાસી છે અને ઘણા લાંબા સમયથી યુવતી હોવાની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી હતી.
કપડાં કાઢી પોલીસ કામગીરીમાં અડચણ કરી : એલિસબ્રિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જ્યારે બંને ટ્રાન્સજેન્ડરની ધરપકડ માટે વસ્ત્રાપુર પહોંચી હતી. ત્યાં પણ તેઓએ કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે તે અંગે પણ એફઆઇઆરમાં કલમોનો ઉમેરો કર્યો છે.