અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટમાં 14 લાખ રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંગલામાં ચાલી રહેલા રીનોવેશનના સમયગાળા દરમિયાન ચોર ટોળકીએ બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને રોકડ રકમ ભરેલા લોકરની ઉઠાંતરી કરી હતી. જે અંગે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ચરણકૃપા સોસાયટીમાં ચોરીની ઘટના : અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ચરણકૃપા સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં 76 વર્ષીય વૃદ્ધા પરેશાબેન શાહે ફરિયાદ નોંધાવી છે. 30 મી એપ્રિલના રોજ તેઓ ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતા શીવાભાઈ, મોહનભાઈ, નરેશભાઈ તેમજ તેની પત્ની મોનિકા સાથે હાજર હતા. તેઓનો દીકરો મીત શાહ પરિવાર સાથે 28મી એપ્રિલના રોજ ઋષિકેશ ઉતરાખંડ ખાતે ફરવા ગયો હતો.
આ પણ વાંચો તસ્કરોએ હદ વટાવી, ચડ્ડી બનિયાન ગેંગ આખી તિજોરી જ ઉઠાવી ગયા! ઘટનાCCTVમાં કેદ
30 તારીખે ચોરી : ફરિયાદીના ઘરમાં નીચેના માળે રસોડામાં રીનોવેશનનું કામ ચાલતું હોય, જેના કારણે નીચેના રૂમમાં બારી કાઢી નાખી હતી. 30 મી એપ્રિલે રાતના સમયે તેઓના ઘરમાં અજાણ્યા વ્યક્તિએ પ્રવેશ કરીને ઘરમાં ઉપરના રૂમમાં મુકેલી તિજોરીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે બીજા દિવસે સવારે તેઓને જાણ થતા તેઓએ તેઓના દીકરાને ફોન કરીને જાણ કરતા તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યો હતો.
પૂર્વ ઘરઘાટી ઓળખાયો : ઘરમાં અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓના ઘરમાં ઘૂસેલો માણસ દોઢેક વર્ષ પહેલા તેઓના ત્યાં કામ કરતો ઘરઘાટી કિશન દેવડા જેવી હિલચાલ ધરાવતો હોય અને અન્ય ત્રણ ઈસમો પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલી તિજોરી, જેમાં 14 લાખ રૂપિયા રોકડા તેમજ અલગ અલગ બેંકોના 9 ચેક અને પેન ડ્રાઈવ મૂકી હતી. તે તિજોરીની જ ચોરી કરીને ફરાર થઈ જતા નજરે પડ્યા હતાં.
આ પણ વાંચો Surat Crime: તિજોરી કે તાજ નહીં, આખેઆખો ટેમ્પો ચોરવાની ટ્રાય મારી, અંતે બેટરી તો બઠાવી જ ગયા
સીસીટીવીના સહારે તપાસ : આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સામેલ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI કે.વાય વ્યાસે જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. ઘરમાં અને સોસાયટીમાંથી મળી આવેલા સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.