સુરત : અમદાવાદ સાયબર ક્રાઈમમાં અત્યાર સુધી અનેક ફરિયાદો ઠગાઈની નોંધાઈ છે. પરંતુ પહેલીવાર એરટેગ થકી સ્પાય કરવામાં આવતું હોય તે પ્રકારની પહેલી ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ વિસ્તારમાં રહેતી એક બિઝનેસ વુમનની ગાડીમાં એરટેગ નામનું ડિવાઈસ લગાવી તેના લોકેશન અને અન્ય બાબતો અંગે વોચ રાખવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી આરોપીની ઓળખ કરી ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.
જાસૂસીની શંકા ગઇ : આ મામલે સાયબર ક્રાઈમમાં 36 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં 27 જૂનના રોજ મહિલા પોતાની ઓડી ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે તેઓના આઈફોન પર એરટેગ ફાઉન્ડ મુવીંગ વીથ યુ નામની નોટીફીકેશન આવી હતી, જેથી તેઓને શંકા ગઈ હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓની જાણ બહાર એરટેગ દ્વારા સ્પાઈંગ થઈ રહ્યું છે અને તેઓની ગાડીનું લોકેશન ટ્રેસ થઈ રહ્યું છે. અને સતત કોઈ તેઓનો પીછો કરી તેઓની પ્રાયવેસીનો ભંગ કરી કરી રહ્યું છે.
સેલો ટેપથી ફીટ કરેલ એરટેગ મળી આવ્યું : જેથી તેઓએ પોતાની ગાડી રોકીને અંદર તપાસ કરતા ડ્રાઈવર સીટની પાછળની સીટની પાછળના ભાગે સીટની નીચેના ભાગે સીટ કવરની અંદર સેલો ટેપથી ફીટ કરેલ એરટેગ મળી આવ્યું હતું. જેથી તેઓને શંકા પ્રબળ બનતા આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સાયબર ક્રાઈમે એરટેગ કબ્જે કરી ટેક્નીકલ તપાસ કરતા એપલ એરટેગ ડિવાઈસ લગાવનાર એક આરોપીની ઓળખ થઈ હતી અને આ મામલે આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ડિવાઈસ ફોન સાથે કનેક્ટ થયા બાદ લોકેશન આપતું હોય છે અને તેમાં અન્ય પણ ફીચર્સ છે. જોકે હાલ આ ડિવાઈઝ લગાવનારની ઓળખ કરી આવુ કૃત્ય કરવા પાછળના કારણો જાણવા માટેની તજવીજ હાથ ધરાઈ છે...અજિત રાજિયન (ડીસીપી, સાયબર ક્રાઈમ)
શું હોય છે એરટેગ ડિવાઈસ : સામાન્ય રીતે એરટેગ એક નાના સિક્કા જેવું ડિવાઈસ હોય છે. જે આઈફોન સાથે કનેક્ટ થતા તેના લોકેશન સહિતની વિગતોનો રેકોર્ડ એમાં સેવ થાય છે. આ ડિવાઈસનો ઉપયોગ સામાન ખોવાઈ ન જાય તેના માટે બેગમાં મુકીને કરવામા આવતો હોય છે. પરંતુ આ ડિવાઈસથી સ્પાય કરવામાં આવ્યું હોય તેવો ભારતનો આ પ્રથમ કિસ્સો છે.
સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી : આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે ફરિયાદી મહિલા કંસ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને છેલ્લાં ધણા સમયથી બિઝનેસ બાબતે તેઓને ભાગીદાર સાથે અણબનાવ ચાલી રહ્યા છે. જોકે મહિલાની ગાડીમાં આ ડિવાઈસ લગાવવામાં ગાડીની સાફસફાઈ કરનારા કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની પણ પ્રબળ શક્યતાઓ રહેલી છે. તેવામાં આ તમામ મુદ્દાઓ પર સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.