અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં થોડા સમય અગાઉ મળેલી અજાણ્યા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ટી શર્ટના લોગોથી યુવકની ઓળખ કરી અને તો સીસીટીવી આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ભણેલા ગણેલા યુવકના હત્યારાને પકડવા માટે દિવસ રાત એક કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
નવી નોકરીની શોધમાં જતો હતો : રાકેશ જટીયા નામના યુવકની 14મી એપ્રિલના રોજ વહેલી સવારે હત્યા કરવામાં આવી હતી. મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી અને ગરીબ પરિવારનો એકનો એક દીકરો હતો. રાકેશ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો હોવા છતાંય બાવળા ખાતેની એક ફાર્મા કંપનીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા તે અન્ય જિલ્લામાં નવી નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવા નીકળ્યો હતો, કંપનીની ગાડી તેને આરટીઓ સર્કલ ઉતારી ગઈ અને તે ચાલતો ચાલતો શાહીબાગ ગયો અને રાત્રે રોડ પર સુઈ ગયો હતો.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં મહિલાની ટુકડા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, ઓળખ અંગે હજુ પણ રહસ્ય અકબંધ
લૂંટવાના ઇરાદે હત્યા થઇ : યુવક જાગીને ફરી તે ઉઠી ચાલવા લાગ્યો. જ્યાં તેને ત્રણેક લોકો મળ્યા અને રાકેશને લિફ્ટ આપવાના બહાને પોતાની ગાડી પર બેસાડી અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના ગોડાઉન બહાર લઈ ગયા હતા. જ્યા આરોપીઓએ રાકેશને લૂંટવાનો પ્રયાસ કરી તેની સાથે ઝપાઝપી કરી હતી. આરોપીઓને શંકા હતી કે તેની બેગમાં કોઈ કિંમતી વસ્તુ હશે પણ તેમાં માત્ર ઇન્ટરવ્યૂને લગતા કાગળો જ હતા. રાકેશને પોતાનું ભવિષ્ય બનાવવું હોવાથી તે બેગ આપતો નહોતો અને સતત પ્રતિકાર કરતો રહ્યો. જેથી આરોપીઓને કિંમતી મતા હોવાનું લાગતા ત્રણ છરીના ઘા મારી દીધા અને હત્યા કરી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતાં.
ટીશર્ટના લોગો પરથી ઓળખ મળી : વહેલી સવારે આ યુવકનો મૃતદેહ પોલીસને મળ્યો હતી, જે લાશ પાસે ન તો મોબાઈલ ફોન હતો અને નતો અન્ય કોઈ ચીજ વસ્તુ. જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. એકતરફ એક અજાણ્યો મૃતદેહ અને યુવક રખડતો ભટકતો નહીં પણ ભણેલો ગણેલો હોવાનું લાગતા તેના પ્રત્યેની સંવેદનશીલતા પોલીસને સતાવતી હતી. જેથી સતત એક એક કલાક જાગી ક્રાઇમ બ્રાન્ચ યુવકની ઓળખ કરવામાં લાગી હતી. માત્ર મૃતકના ટીશર્ટના લોગો પરથી ક્રાઇમ બ્રાન્ચે રાકેશની ઓળખ કરી લીધી હતી.
યુવકની ઓળખ બાદ ટીમો કામે લાગી : મૃતક યુવકની ઓળખ થયા બાદ આરોપીઓને શોધવા ટીમો રવાના કરાઈ હતી. બાતમી અને ટેક્નિકલ એનાલિસિસ આધારે પોલીસે અક્ષય ઉર્ફે આકાશ ઉર્ફે રાઈડર રાઠોડ, સન્ની ઉર્ફે ઢાંગી ઉર્ફે ગટી દંતાણી અને રૂપેશ ઉર્ફે રાહુલ દાંતણીયાની ધરપકડ કરી છે. આરોપીઓ કોઈ કામ ધંધો કરતા ન હોવાનું અને અને માત્ર લૂંટના ઇરાદે જ રાકેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Rajkot Crime: વીછિંયામાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ પોતાના માથા વાઢી હવન કુંડમાં હોમ્યા
યુવક માટે ઇન્ટરવ્યૂ લેટર કિમતી હતો : નોકરીની શોધમાં નીકળેલા ભણેલા ગણેલા યુવક પાસે આરોપીઓએ માત્ર કિંમતી વસ્તુ હોઈ શકે તેની શંકા પર જ હત્યા કરી બેગ લૂંટવામાં આવી હતી. ઇન્ટરવ્યૂ આપવાના કાગળો રાકેશ આપવા માંગતો નહોતો. કેમ કે સવાલ તેના ભવિષ્યનો હતો અને ત્યાં જ તેની હત્યા થઈ ગઈ. ત્યારે આરોપીઓએ લૂંટના ઇરાદે અન્ય બે ત્રણ લોકોને પણ ધમકાવી છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓની વધુ તપાસ : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે શાહીબાગમાં મળેલા અજાણ્યા યુવકના મૃતદેહની સૌપ્રથમ ઓળખ કરવામાં આવી અને જે બાદ અલગ અલગ જગ્યા ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગુનામાં સામે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે આરોપીઓની વધુ તપાસ હાથ ધરાઈ છે.