અમદાવાદ : અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરા નગર લાંભામાં રહેતા એક યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીનું નામ લઈને ફરિયાદીના ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદના બે રૂપિયા ભરવાનું કહીને 41,936 ઓનલાઇન મેળવીને છેતરપિંડી આચરી હોય આ સમગ્ર બાબતે અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગે ફરિયાદીની ફરિયાદ નોંધી આરોપીની તપાસ શરૂ કરવામા આવી છે. 4 અજાણ્યા લોકો આરોપી હોય મોબાઈલ નંબર તેમજ અન્ય ટેક્નીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે...એન. કે. વ્યાસ(અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ)
ગૂગલ પરથી ફરિયાદ માટેનો નંબર સર્ચ મારેલો : સાયબર ગઠીયાઓ લોકો સાથે ઠગાઈ કરવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે, તેવામાં આ વખતે એએમસીના કર્મીના નામે એક યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદના લાંભા નજીક ઇન્દિરાનગરમાં રહેતા રામેશ્વર ચંદ્રપાલ યાદવ નામના 31 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી છે. તે વટવા જીઆઈડીસી ફેઝ ટુ ખાતે કીરી ઇન્ડસ્ટ્રીઝ ખાતે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 23/09/2022 ના રોજ તેઓ ઘરે હાજર હતા, તે દરમિયાન ઘરની સામે પાણીની પાઇપલાઇન લીકેજ હતી, જેથી તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવા માટે ગૂગલ પરથી ફરિયાદ માટેનો નંબર સર્ચ કરતા તેઓને એક મોબાઈલ નંબર મળ્યો હતો.
એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી : જેમાં તેઓએ કોલ કરતા સામેથી એક વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી હતી અને ફરિયાદીએ પોતાના ઘરની બાજુમાં પાણીની પાઇપલાઇન લીકેજ વિશેની વાત કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે થોડીવાર પછી સીનિયર અધિકારી ફોન કરશે તેમ જણાવી ફોન મુકી દીધો હતો. જે બાદ ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પલાઇન નોંધાઈ જશે, જેના માટે તમારે બે રૂપિયા ચાર્જ લાગશે. જે ચાર્જ ભરવા માટે તમારે મોબાઇલ ફોનમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
બે રુપિયાના બહાને કરી છેતરામણી : જેથી ફરિયાદીએ પોતાના ફોનમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને સામેવાળી વ્યક્તિએ બે રૂપિયાની રકમ રૂપિયા ટ્રાન્સફર કરવાની કીધી હતી. જે બાદ ફરિયાદીએ આરોપીના કહ્યા મુજબ બેન્ક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરતા તેના એકાઉન્ટમાંથી 9,998 રૂપિયા કપાઈ ગયા હતાં. જે પૈસા બાબતે પૂછતાં ગઠીયાએ ખોટો મેસેજ આવ્યો હોય તેવું જણાવીને ફરીવાર પ્રોસિજર કરાવતા બીજા 9,998 રૂપિયા કપાઈ ગયાં હતાં.
4 અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ : ફરિયાદીએ ફોન પેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા આરોપીએ તેને ધમકાવ્યો હતો અને જો તમે ફોન પે બંધ કરશો તો તમારા બેન્ક એકાઉન્ટમાંથી તમામ પૈસા કપાઈ જશે તેવું ડરાવીને ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ટુકડે ટુકડે તેઓના બેન્ક ખાતામાંથી કુલ 41,936 ઉપાડી લેવામાં આવતા ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી. જે બાદ આ સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર બાબતને લઈને અસલાલી પોલીસે 4 અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.