અમદાવાદ : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે દિવસ પહેલા મહિલાના મળેલા મૃતદેહ અને તેની થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. તે મહિલાની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો જ પૂર્વ પ્રેમી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાને હાલના પ્રેમી સાથે પૂર્વ પ્રેમી જોઈ જતા તેની સાથે મહિલાએ આ અંગે પરિવારને જાણ ન કરવાનું કહીને ઝઘડો કરતા આરોપીએ તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બે દિવસ પહેલાં મૃતદેહ મળ્યો હતો : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા બ્રિજની નીચે બે દિવસ પહેલા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મહિલાના મૃતદેહને રામોલ પોલીસે પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલતા પીએમના પ્રાઇમરી રિપોર્ટમાં તે મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા મહિલાની ઓળખ કરી તેના ભાઈને બોલાવી આ મામલે રામોલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
મહિલાના આડા સંબંધો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ હત્યાને અંજામ આપનાર ઓઢવના શંકર ઉર્ફે ભુરિયો દેવીપૂજક નામના આધેડની ધરપકડ કરી છે. આરોપીએ ગત 8મી એપ્રિલે મોડી રાત્રે તુલસીબેન મકવાણા નામની મહિલાની હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો. પોલીસે જ્યારે શંકર ઉર્ફે ભુરિયાની પૂછપરછ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે મૃતક મહિલાના આરોપી શંકર સાથે 5 વર્ષથી અને તેના સિવાય અન્ય એક યુવક સાથે પણ બે વર્ષથી આડા સંબંધ હતા.
મહિલાએ ઝઘડો કર્યો : હિલાની હત્યા શા માટે થઇ તેની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શંકર મૃતક તુલસી અને તેના પ્રેમીને એકસાથે જોઈ ગયો હતો. ત્યારે તુલસી મકવાણાએ શંકરને પોતે અન્ય કોઇ યુવક સાથે છે તેેની જાણ પરિવારને ન કરવા જણાવ્યું હતું. તો યુવકે આ બાબતે કોઈ લેવાદેવા ન હોવાની વાત કરતા મહિલા વધુ ઉશ્કેરાઈ હતી અને તેણે શંકર દેવીપુજકનો કોલર પકડી તેની સાથે ઝઘડો કર્યો હતો અને જે ઝઘડા દરમિયાન શંકર દેવીપુજક એ તુલસી મકવાણાનું ગળું દબાવી રાખતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Jamnagar Crime : સિરિયલ કિલરની શંકા, ફરી એક યુવતીને ટાર્ગેટ કરીને પ્રેમીકાની વાડીમાં કરી હત્યા
સીટીએમ બ્રિજ નીચે નાંખી દીધી : મૃતક મહિલા અને તેનો નવો પ્રેમી વિસ્તારમાં આવેલી કેનાલ પાસે બેઠા હતાં તે સમયે આરોપી શંકર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મહિલાએ તેના નવા પ્રેમી વિશે કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો સારું નહીં થાય તેમ કહ્યું હતું જેને કારણે આરોપી શંકર અને મહિલા વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. આરોપી શંકરનો મૃતક મહિલાએ શર્ટ કોલર પકડી ઝપાઝપી કરી હતી જેથી આરોપીએ પણ તેનેે ધક્કો મારી દીધો હતો. આ સમયે ત્યાં પડેલી લોખંડની એન્ગલ મહિલાને માથામાં વાગી જતાં ઇજા થતા બેભાન થઈ ગઈ હતી. ત્યારે આરોપી શંકરે તેને પેડલ રિક્ષામાં નાખી સીટીએમ બ્રિજ નીચે નાખી દીધી હતી. આ સમયના એકમાત્ર ફુટેજના આધારે પોલીસે આરોપીને શોધી કાઢીને વણઉકેલાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી : હત્યા અંગેનો ગુનો નોંધાતા પોલીસે તપાસ કરતા માત્ર એક સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેમાં પેડલ રિક્ષામાં આવી કોઈ મૃતદેહ નાખી જતું હતું. માત્ર મૃતકના બે પગ અને પેડલ રીક્ષાના આધારે પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચી હત્યાનો આ ભેદ ઉકેલ્યો છે. આ મામલે પકડાયેલા આરોપીની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે આરોપી પોતે પરિણીત છે અને તેને પણ બાળકો છે. છતાં પણ તેના મૃતક મહિલા સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધો હતાં. જ્યારે મૃતક મહિલા તુલસી મકવાણાને પણ અન્ય વ્યક્તિ સાથે લગ્ન થયેલા હતાં.
આરોપીની ધરપકડ : આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે રામોલમાં હત્યાના નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. આરોપી શંકરે આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી છે. તેમ જ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.