અમદાવાદ : ગાંધીનગર ખાતે DGP વિકાસ સહાય દ્વારા ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત રાજ્યના તમામ IPS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ શહેરમાં બનતી ક્રાઈમની ઘટનાઓને કઈ રીતે અટકાવી શકાય અને ક્રાઈમ રેટ કઈ રીતે ઘટાડી શકાય તેવા વિષય પર વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં પાલડીના ટાગોર હોલ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.
અમદાવાદ ક્રાઈમ કોન્ફરન્સ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ શહેરમાં બનતા વિવિધ ગુનાઓ જેવા કે હત્યા, મારામારીમાં આરોપીઓને પકડવા અને ગુનો ડિટેકટ કર્યા સુધીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ લીધા બાદ જી.એસ. મલિક દ્વારા દારૂ, જુગાર, ડ્રગ્સ અને ટ્રાફિક જેવા પ્રશ્નો પર ખાસ કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
DG ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીને વખાણવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ પોલીસે કરેલા હથિયારોના કેસની કામગીરી ખૂબ સારી હતી. દારૂ, જુગાર અને નાર્કોટિક્સની ગેરરીતિ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે તો સ્થાનિક પોલીસ અધિકારી સામે સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. -- જી.એસ મલિક (પોલીસ કમિશનર, અમદાવાદ)
પોલીસ કામગીરી પર ચર્ચા : હાલમાં વધી રહેલા સાયબર છેતરપીંડીના ગુનાઓને કઈ રીતે અટકાવી શકાય તે વિષય પર પણ ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે. તેના માટે શું કરી શકાય તેમજ શહેરમાં આવતા ડ્રગ્સને કઈ રીતે અટકાવી શકાય તે વિષય પર ખાસ ભાર મુકાયો હતો.
પોલીસ કમિશનર દ્વારા નિર્દેશ : છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા અનેક પોલીસકર્મીઓની બદલીના પણ પ્રશ્નો છે. જેનું આગામી બે-ત્રણ મહિનામાં નિરાકરણ લાવવા અંગે ચર્ચા થઈ હતી. સાથે જ સોલામાં પોલીસ દ્વારા પૈસા પડાવવાના કિસ્સા જેવી ઘટના ફરી ન બને તે માટે પણ ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. તે કેસમાં પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે હેતુથી લાંચની કલમ ઉમેરવામાં આવી છે.