અમદાવાદ: ઓઢવ પોલીસ સ્ટેશનમાં હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી પ્રેમસંબંધ બાંધી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. વિધર્મી યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. અવારનવાર તેની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. જેના કારણે યુવતી ગર્ભવતી થતા તેને પ્રેમીને લગ્નની વાત કરતા આરોપીએ લગ્ન ન કરી યુવતીને તરછોડી દેતા આ મામલે યુવતીએ પોલીસની મદદ માંગી છે.
![યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સામે ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-33-odhav-vidharmi-yuvak-rape-hindu-girl-photo-story-7211521_14062023203949_1406f_1686755389_17.jpg)
લગ્નની લાલચ આપી દુષ્કર્મ: અમદાવાદમાં રહેતી યુવતી સ્પામાં કામ કરે છે. થોડા સમય પહેલા તેનો પરિચય મોહમદ હનીફ શેખ નામના જમાલપુરના યુવક સાથે થયો હતો. બંને વચ્ચે મિત્રતા વધતા પ્રેમસંબંધ બંધાયો હતો. મોહમદ હનીફે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી. અને છેલ્લા એકાદ વર્ષથી આરોપી મોહમદ હનીફે યુવતીને પૂર્વ અમદાવાદમાં આવેલી અલગ અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
યુવતીને ગર્ભ રહી જતાં પ્રેમીએ તરછોડી: પ્રેમી લગ્ન કરશે તેવી આશાએ યુવતીએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહી ગયો હોવાથી તેણે પ્રેમી મોહમદ હનીફને લગ્ન કરવાની વાત કરી હતી. જોકે પ્રેમીએ લગ્નના માત્ર વાયદાઓ કર્યા હતા અને યુવતીએ અંતે પોતે ગર્ભવતી હોવાનું કહીને લગ્ન માટે દબાણ કરતા આરોપીએ યુવતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અંતે યુવતીએ આ મામલે ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરી જમાલપુરના મોહમદ હનીફ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીની ધરપકડ: ઓઢવ પોલીસ સ્ટેશનના PI જે.એસ કંડોરિયાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.