અમદાવાદ: ભરૂચ જિલ્લાના નદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદના સોની વેપારીને હથિયાર બતાવીને 1.18 કરોડ રૂપિયાના સોનાના દાગીના તેમજ રોકડ રકમ 2.81 લાખ અને મોબાઇલ ફોન સહિત 1.21 કરોડની લૂંટ મામલે ગુનામાં સામેલ બે આરોપીઓની લૂંટના 1.07 કરોડના મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ મામલે ગુનામાં સામે લઈને આરોપીઓની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે.
લૂંટના આરોપીઓ ઝડપાયા: પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી દેવનાગરે જણાવ્યું હતું કે નીરવ ઉર્ફે રાજુ શાહને છેલ્લા છ મહિનાથી તે ઓળખતો હોય પોતાને દેવું થઈ જવાની અને પૈસાની જરૂર હોવાની વાત નીરવને કરી હતી અને દસ દિવસ પહેલાં નીરવે દેવ નાગરને એક સોની વેપારી સોનાના દાગીનાઓ લઈને જે જગ્યા ઉપર વેચવા જાય છે, તે જગ્યાની રેકી કરવા માટે જણાવ્યું હતું. 21મી જૂનના રોજ નિરવે આરોપી દેવને સાંજના સમયે ફોન કરીને 22મી જૂનના રોજ સવારના સમયે સોની વેપારી અમદાવાદથી ગાડીમાં નીકળી ભરૂચ જનાર હોવાનું જણાવતા તેની પાસેના સોનાના દાગીનાની લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.
વધુ પૂછપરછ: આ મામલે મુખ્ય આરોપી નીરવ ઉર્ફે રાજુ શાહે આરોપી દેવનાગરને આ કામ માટે ત્રણ લાખ રૂપિયા અને મનોજ તેમજ તેની સાથેના માણસોને પાંચ લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ભરૂચ પોલીસે ધરપકડ કરી હોય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને આરોપીઓને ભરૂચ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તે દિશામાં પણ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
'બાતમીના આધારે આ ગુનામાં બંને આરોપીઓને દાણીલીમડાથી પકડી પાડવામાં આવ્યા છે. તેઓની પાસેથી લૂંટ કરેલ મુદ્દામાલમાંથી એક કરોડ સાત લાખથી વધુ મુદ્દામાલ રિકવર પણ કરાયો છે. ઝડપાયેલા આરોપીઓને ભરૂચ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' -એમ.એમ સોલંકી, પી.આઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
કેવી રીતે થઇ હતી લૂંટ: અમદાવાદના ઇસનપુરમાં રહેતા અને માણેકચોકમાં મહાલક્ષ્મી ઓર્નામેન્ટના નામથી સોનાના દાગીનાનો વેપાર કરતાં મુકેશભાઈ સોની 22 જૂન 2023 ના રોજ પોતાની ગાડીમાં 2290 ગ્રામના અલગ અલગ સોનાના દાગીના લઈને ભરુચ જવા નીકળ્યા હતા. સોનાના દાગીના પોતાની પાસે બેગમાં મૂકી સંબંધીના ઘરે મૂક્યા હતા અને રાત્રિના દહેજમાં હોટલમાં રોકાયા હતા. જે બાદ 23 મી જુનના રોજ સવારે સોનાના દાગીના મેળવી દહેજ ખાતે જુદા જુદા વેપારીઓને દાગીના આપી ભરૂચ નબીપુર બ્રિજ નીચેથી ઝનોર ગામ તરફ જતા રોડ પરથી સામલોદ તરફ જતા બપોરના ત્રણ વાગ્યે આસપાસ તેઓની ગાડીને ઓવરટેક કરીને એક ગાડીના ચાલકે વેપારીની ગાડીની આગળ પોતાની ગાડી ઉભી રાખી હતી અને પાછળથી અન્ય એક ગાડી આવી ગઈ હતી. આ દરમિયાન લૂંટની ઘટના બની હતી.