અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અગાઉ કેદીઓ પાસેથી મોબાઇલ ફોન પાન મસાલા- ગુટખા સહિતની ચીજ વસ્તુઓ તો મળતી જ હતી, પરંતુ હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદી પાસેથી ગાંજો મળી આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. જે અંગે જેલર દ્વારા રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મળ્યો ગાંજો: 15મી જુલાઈ 2023 ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલના જેલર થોમસ પરમાર ડ્યુટી પર હતા, તે દરમિયાન સવારના સમયે બડા ચક્કર યાર્ડના સુબેદાર સર્વરખાન પઠાણે બડા ચક્કરમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બેરેકની પાછળના ભાગે કેદી સંજય ગજેરાની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને ઉભો રાખીને યાર્ડના ફરજ પરના સિપાહીની હાજરીમાં સંજય ગજેરાની અંગજડતી કરતા તેને પહેરેલા કપડાના લેંઘાના ખિસ્સામાંથી એક વનસ્પતિના છ ડોઝ અને બુધા લાલ તમાકુના ત્રણ નંગ અને 268 રૂપિયાની કેન્ટીનની કુપોનો મળી આવી હતી.
NDPS હેઠળ ફરિયાદ દાખલ: આ અંગેની લેખિત ફરિયાદ રાણીપ પોલીસ મથકે કરવામાં આવતા રાણીપ પોલીસે આ સમગ્ર બાબતને લઈને NDPS ની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી ગોહિલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. 1 ગ્રામ 880 મિલિગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી ચાલુ છે.
રાજકોટમાંથી પણ પકડાયો હતો ગાંજો: રાજકોટમાં વધુ એકવાર ગાંજાનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે બાતમીના આધારે દરગાહ દરોડા પાડતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ સાથે જ પોલીસે એક ઇસમની પણ ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટના લોધીકા તાલુકાના ચીભડા ગામ નજીક આવેલી દરગાહમાં 24 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ 24 કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે મૂંઝાવર હબીબ શાહ નામના શખ્સની પણ ધરપકડ કરી છે.