અમદાવાદ: આજના સમયમાં સોશ્યલ મડિયા પણ હકીકત સામે લાવી દે છે. જેના કારણે સોશ્યલ મડિયાથી પણ સમાજમાં લાભ થઇ શકે છે. ગ્રાઉન્ડ લેવલ પર શુ થતુ હોય તે મોટા અધિકારીઓને ખબર જ હોતી નથી. ત્યારે અમદાવાદમાં આવેલી સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી કર્મચારી મનમાની કરતો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.
દર્દી ગેટની બહાર રઝળતા: થોડા દિવસ પહેલા વિડિયો વાયરલ થયો હતો તેમાં જોવા મળ્યું હતું કે દર્દીઓ સાથે તોછડું વર્તન સિક્યુરિટી ગાર્ડ કરી રહ્યો હતો. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી અને જોઈ શકાય છે કે ટ્રોમા સેન્ટરમાં આવેલા દર્દી ગેટની બહાર રઝળતા જોવા મળી રહ્યા છે. લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલ તંત્રના આંખ આડા કાન: વારંવાર આવી જ રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સારવાર લેવા આવતા દર્દી ઓ સાથે અભદ્રં શબ્દો બોલી વિવાદ ઊભો કરવામાં આવે છે. તેમ છતાં પણ સિવિલ હોસ્પિટલ તંત્ર આ તમામ ઘટનાઓ બાબતે મૌન ધારણ કરી માત્ર તમાશો જોઈ રહ્યું છે. જેને લઇને ચોક્કસપણે એ કહી શકાય કે હવે તો સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી ઓ રામ ભરોસે છે. જોકે ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીના કેસો વધારે આવતા હોય છે, અને આવા કેસોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની ફરજ થતી હોય છે.
પગલાં લેવામાં આવશે: સિવિલ સુપ્રિંટેન્ડેન્ટ રાકેશ જોષીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ વીડિયોમાં અસભ્ય શબ્દોનો પ્રયોગ કરનાર ગાર્ડ ને તાત્કાલિક નોકરીથી બરતરફ કરવાની બાહેધરી આપી છે. જ્યારે દર્દી કે તેના સગા સાથે આ પ્રકારનું વર્તન ભવિષ્યમાં ન થાય તે માટે પણ ધ્યાન રાખીને કસૂરવાર સામે પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઇમરજન્સી સારવાર આપવાને બદલે તંત્ર દ્વારા દર્દીને કલાકો સુધી બેડ પર સુવડાવી રાહ જોવડાવી મનમાની કરવામાં આવે છે.
દર્દી ક્યાંક મોતને ભેટે: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેમાં લગભગ ગરીબ અને મધ્યમ વર્ગમાં આવતા દર્દીઓની સંખ્યા વધારે હોય છે. આર્થિક રીતે પછાત હોય તેવા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે. પરંતુ સિવિલ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવતી મનમાની ને કારણે દર્દીઓ માટે જયે તો જયે કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.