અમદાવાદ: ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર 28 મે ના રોજ પોતે કોરોના પોઝિટિવ થયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર બાદ તેમની તબિયત સારી જણાતા તેમને 4 જૂને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ હોમ કવોરેન્ટાઈન રહ્યા હતાં. જ્યારે તેઓ સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા છે, ત્યારે તેમને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
7 જૂનના રોજ પ્રમુખે પાલડી ખાતે આવેલી રેડ ક્રોસ સંસ્થાને 500 મિલીલીટર લોહી દ્વારા પ્લાઝમા ડોનેટ કર્યા હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે કોરોના વાઇરસમાંથી ઉગરી ગયેલી દર્દીમાં એન્ટીબોડી વિકસિત થાય છે. તેથી જો આવા સાજા થયેલા વ્યક્તિના એન્ટીબોડી યુક્ત લોહીમાંથી પ્લાઝમા કોરોનાના અન્ય દર્દીને ચઢાવવામાં આવે, તો તેનાથી ઝડપી રિકવરી થાય છે.
500 એમએલ લોહીમાંથી 200 એમએલના બે ભાગ કરીને બે દર્દીને તે આપી શકાય છે. આ માટે જે દર્દી કોરોના અને તેના લક્ષણો મુક્ત થયાના 28 દિવસ બાદ પોતાના પ્લાઝમા દાન કરી શકે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના પ્લાઝમા લેવામાં આવે છે, ત્યારે તેનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, તેનું બ્લડપ્રેશર માપવામાં આવે છે અને જરૂરી તમામ મેડિકલ ચેકઅપ પૂર્ણ કરીને પ્લાઝમા લેવામાં આવે છે. જોકે તાજેતરમાં કેટલાક અહેવાલ પ્રમાણે કોરોનાના દર્દીઓ પર પ્લાઝમા થેરાપી અસરકારક પૂરવાર થઈ નથી.
તેના જવાબમાં ડોક્ટરોનું કહેવું છે કે, જ્યારે વ્યક્તિ આ વાઈરસના સકંજામાં ગંભીર રીતે આવી ચૂકી હોય. દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો હોય, ત્યારે તેને પ્લાઝમા આપવામાં આવે તો તે બિન અસરકારક નીવડે છે, પરંતુ શરૂઆતના તબક્કામાં જો તેને આ થેરાપી આપવામાં આવે, તો તે જલદીથી રિકવર થઈ જાય છે અને તેને ઓક્સિજન પર રાખવો પડતો નથી. આ સમયે બોલતા જગદીશ વિશ્વકર્મા અને ડોક્ટર દ્વારા પણ સાજા થયેલા વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરવામાં આવી હતી.