અમદાવાદઃ ઘટના અંગે મળતી વિગત મુજબ જીગર નામનો યુવક હીરાભાઈની ચાલીમાં રહેતો હતો અને તેના વિરુદ્ધ તેના પડોશીએ બોલાચાલી કરી હોવાની અરજી કાગડાપીઠ પોલીસને આપી હતી. જેથી પોલીસે 151 મુજબ અટકાયતી પગલાં લઈ તેને લોકઅપમાં મુક્યો હતો. રાત્રે તેનો ભાઈ તેને જમવાનું પણ આપી ગયો હતો. અને જીગરે તે ખાઈ પણ લીધું હતું. બાદમાં ત્યાં લોકઅપમાં તેણે ચાદર વડે આપઘાત કરવાની કોશિશ કરી હતી.
પહેલાં તેણે ચાદર વડે પ્રયત્ન કર્યો પણ તેના પગ જમીન પર અડી જતાં તેણે ફરી ફન્દો બનાવ્યો અને બાદમાં આપઘાત કર્યો હતો. અડધો કલાક સુધી તેણે આ પ્રયત્ન કર્યો તેમ છતાં પોલીસને જાણ થઈ ન હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક જીગરના પરિવારનું કહેવું છે કે તેને કેમ પોલીસ ઉઠાવી લાવી, તેની સામે કોને ફરિયાદ કરી, કેવી રીતે આ બનાવ બન્યો તે બાબતે પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. તેના શરીર પર પોલીસે માર માર્યો હોવાના નિશાન છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.