ખેડા : બાવળા બગોદરા રોડ ઉપર શુક્રવારે અકસ્માત થયો હતો જેમાં એ દિવસે જ 10નાં મોત થયાં હતાં. આ જ ગમખ્વાર અકસ્માતમાં ઇજા પામેલા વધુ 2 લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક 12 થયો છે. બાવળા બગોદરા અકસ્માતમાં ડ્રાઈવર અને એક મહિલાનું મોત હવે નોંધાયું છે.
આ મામલે ગુનો દાખલ કરવામા આવ્યો છે. આજે સારવાર દરમિયાન ડ્રાઈવર પ્રવીણભાઈ અને એક મહિલાનું મોત થયું છે. અન્ય લોકો સારવાર હેઠળ છે...અમિતકુમાર વસાવા( SP, અમદાવાદ જિલ્લા)
વિપુલભાઈનો પરિવાર ચોટીલા જવા નીકળ્યો : ખેડામાં રહેતા વિજયભાઈ ઝાલા 10મી ઓગસ્ટના રોજ સવારમાં તેના મિત્ર સાથે હાજર હતા, તે વખતે ગામના વિપુલભાઈએ પિતાજીની તબિયત નાદુરસ્ત રહેતી હોય ચામુંડા માતાની બાધા રાખી હોય જેથી કુટુંબીઓ સાથે રાત્રે ચોટીલા બાધા કરવા જવાનું છે. તેથી તેઓને પણ આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેઓ રાતના સમયે 23 જેટલા માણસો ચોટીલા દર્શન કરવા માટે નીકળ્યા હતા અને દર્શન કરીને શુક્રવારે પરત ફરતા પ્રવીણભાઈ ઉર્ફે પરેશ ઝાલા ગાડી ચલાવતા હતા. તેમની જોડે કેબિનમાં વિપુલભાઈ ઝાલા તેમની પત્ની સોનલબેન તેમજ નાની દીકરીને બેસાડી હતી. પરેશ ઝાલા પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા હતા. ગાડીમાં પાછળના ભાગે ફરિયાદી તેમજ રાજુભાઈ ઝાલા હિંમતભાઈ ઝાલા, માધાભાઈ ઝાલા અને અંદરના ભાગે અન્ય લોકો બેઠા હતાં.
મીઠાપુર પાટિયા નજીક અકસ્માત : સવારના 11:30 વાગે આસપાસ મીઠાપુર પાટિયા નજીક તેઓ પાસે પસાર થતા હતા, તે વખતે ગાડી ધડાકાભેર એક ટ્રકમાં અથડાઈ હતી. આ દરમિયાન સ્થળ ઉપર જ અનેક લોકોના મોત નીપજ્યા હતાં જેને લઇને ટ્રાફિક જામ સર્જાયો હતો. બગોદરા પોલીસે સ્થળ ઉપર પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં અને મૃતકોને પીએમ માટે ખસેડ્યા હતા.
7 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હતાં : આ ઘટનામાં રઈબેન ઝાલા, પ્રહલાદભાઈ ઝાલા, કાંતાબેન ઝાલા, વૃષ્ટિકા ઝાલા, ગીતાબેન ઝાલા, વિશાલ ઝાલા, અભેસંગ સોલંકી, જાનકીબેન સોલંકી, શાંતાબેન સોલંકી તેમજ લીલાબેન પરમાર કુલ 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે માધાભાઈ ઝાલા, પ્રવીણભાઈ ઉર્ફે પરેશ ઝાલા, આરતીબેન સોલંકી, હિંમતભાઈ ઝાલા, સોનલબેન બાબુભાઈ સોલંકી, વિપુલભાઈ રાજુભાઈ ઝાલા અને રાજવીર સોલંકીને ઇજાઓ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરિયાદી તેમજ સુનીલભાઈ ઝાલા અને વિહાની અને સોનલબેન નામની વ્યક્તિઓને ઇજાઓ થઈ હોય સારવાર આપીને રજા આપી હતી.
ડ્રાયવરનું પણ મોત આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન છોટાહાથી ગાડી ચલાવનાર પ્રવીણભાઈ ઉર્ફે પરેશભાઈ ઝાલા તેમજ આરતીબેન જેસંગભાઈ સોલંકી નામના બે વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે.